સુરત શહેરમાં પાલિકાના લાયસન્સ ધરાવતી ખાણીપીણીની દુકાનોમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ફૂડ ક્વોલિટી માટે ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ સાંજના સમયે શહેરમાં હજારોની સંખ્યામાં લારીઓ અને ફૂડવાહનો દ્વારા ખાણીપીણીનું વેચાણ કરવામાં આવે છે તેમનું ચેકિંગ થતું ન હતું. આ અંગે આરોગ્ય સમિતિની બેઠકમાં ટકોર કરાયા બાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં સાંજના સમયે ખાણીપીણીનું વેચાણ કરતી દુકાનોમાંથી નમુના લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખાણીપીણીના શોખીન એવા સુરતમાં ખાણીપીણીની લાખો દુકાન અને લારીઓ છે.
પાલિકા દ્વારા ખાણીપીણીની આ દુકાનોમાં ફૂડ ક્વોલિટીની ચકાસણી માટે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. આ દુકાનોમાંથી લીધેલા સેમ્પલને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે. જો કોઈ સંસ્થામાંથી લીધેલા નમૂના નિષ્ફળ જાય તો તે સંસ્થા સામે કેસ કરવામાં આવે છે. જોકે છેલ્લા ઘણા સમયથી શહેરમાં સાંજના સમયે ઊભી રહેતી ખાણીપીણીનું વેચાણ કરતી લારીઓ અને વાહનોમાંથી સેમ્પલ લેવાની કામગીરી થતી ન હોવાની ફરિયાદ હતી.
હાલમાં જ થયેલી આરોગ્ય સમિતિની બેઠકમાં આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેન્સી શાહ દ્વારા સાંજના સમયે ખાણીપીણીનું વેચાણ કરતી લારીઓ અને વાહનોમાંથી ફૂડના સેમ્પલ લેવા માટે સૂચના આપવામાં આવી હતી. ખાણીપીણીના શોખીન સુરતીઓને ટેસ્ટ મળે અને આરોગ્ય પણ જળવાઈ રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા સાંજના સમયે ફૂડ સેમ્પલની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હાલ લારીઓ અને વાહનોમાંથી લીધેલા સેમ્પલને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ સંસ્થાના સેમ્પલ નિષ્ફળ જશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500