મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના મલીન ગામનો યુવાન, દ્રાક્ષ અને ડુંગળીની વાડીમા ખેતમજૂર તરીકે મહારાષ્ટ્રના ખેતરો ખુંદતો હતો. જ્યા મર્યાદિત જમીનમા તેણે ઓછા પાણીએ આધુનિક ખેત પદ્ધતિના પરિણામે સફળતા મેળવતા ખેડૂતોને જોઈને, મનમાં જ મજુરમાંથી માલિક બનવાનો સંકલ્પ કર્યો, અને તેને સાકાર કરવા માટે ફરી એકવાર વતનની વાત પકડી. મલીન ગામના યુવા ખેડૂત યોગેશ ભિવસેને ચાર હેક્ટરમા માત્ર ૮૦ દિવસની તડબુચની ખેતી કરીને, બધો ખર્ચ કાઢતા અંદાજિત રૂપિયા આઠેક લાખનો નફો રળીને ખેતી-બાગાયત વિભાગના અધિકારીઓ, કૃષિ કેન્દ્રોના તજજ્ઞો, અને અન્ય ખેડુતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.
આધુનિક ખેતીને સમર્થન આપતા આ યુવા ખેડુતે એક મુલાકાતમા જણાવ્યુ હતું કે, પરંપરાગત ખેત પદ્ધતિમા વધુ મહેનતે પણ, જોઈએ એવુ વળતર નહીં મળવાને કારણે, ખેડુતો ખેતીથી વિમુખ થતા જાય છે. જ્યારે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ, આધુનિક ખેત ઉત્પાદન ખેડૂતોને ફરીથી ખેતી તરફ વળી રહ્યા છે. મલીન ગામે બાપદાદાની ખડકાવ, ડુંગરાળ જમીનમા માત્ર ઘાસ થતુ હતુ. પરંતુ યોગેશે મહારાષ્ટની દ્રાક્ષ અને ડુંગળીની વાડીમા ૫/૭ વર્ષ, દોઢસો બસો રૂપિયાની મજુરી કરતા કરતા અનુભવ્યુ, કે જો તેની બાપિકી જમીનને સુધારીને પરસેવો પાડવામા આવે, તો મજુરમાંથી માલિક બની શકાય છે, અને આ વિચાર સાથે તેણે તેના મહારાષ્ટ્રીયન શેઠ પાસેથી દસ હજાર રૂપિયા ઉધાર ઉછીના લઈ, મલીનની વાટ પકડી.
શરૂઆતમા જમીન સુધારણા સાથે એક ગાય લઈ પશુપાલનને પણ સાથે રાખી, રાતદિવસ પરિવારજનો સાથે કાળી મજુરી કરીને, તેણે એકમાંથી સાત ગાયો કરી. પોતાની જમીનમા ડાંગર, ચણા, અને રીંગણાની પરંપરાગત ખેતીને સ્થાને પ્લાસ્ટિક મલ્ચિંગ, ડ્રીપ ઇરીગેશન જેવા નવા આયામો ઉમેરી, ઓછા પાણીએ ચાર હેક્ટરમા તડબુચ કરીને, સફળતાના બીજનુ વાવેતર કર્યુ. ૪૩ ડિગ્રી તાપમાન વચ્ચે પોતાના મલીનના ખેતરમા ચર્ચા કરતા યોગેશ ભિવસેને જણાવ્યુ કે, આહવાની ખેતીવાડી અને બાગાયત કચેરી સાથે, વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞોના માર્ગદર્શનને કારણે, તેણે મલીનમા ચાર હેક્ટર જમીનમા તડબુચની ખેતી કરીને માત્ર ૮૦ દિવસમાં જ ૧૨૦ ટનથી વધુ તડબુચનો પાક લણી લીધો, જેને ૧૧ હજાર રૂપિયાના ભાવે વેપારીઓ દ્વારા ખેતર બેઠા ખરીદી લેવાયા. આજે યોગેશ પોતે તો તડબુચની ખેતી કરે જ છે પણ સાથે આસપાસના ગામોના ખેડૂતોને પણ આ માટે તૈયાર કરી, રોકડીયા પાકથી પ્રગતિ તરફ વળી રહ્યો છે.
ડાંગ જિલ્લા માટે ઉનાળુ પાકની વાત કરતા વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિએ, તડબુચનો પાક ઓછા સમયમા સારો એવો નફો રળી આપતો પાક ગણી શકાય, તેમ જણાવી આ પાકમા ખેડૂતો પ્લાસ્ટિક મલ્ચ, અને ટપક પધ્ધતિનો ઉપયોગ કરે છે.જેના ઘણા ફાયદા થાય છે, તેમ જણાવ્યુ હતુ. ટપક પધ્ધતી, અને ફર્ટીગેશનના કારણે લગભગ ૩૦ થી ૪૦ ટકા જેટલા પાણીની બચત સાથે ખાતરની કાર્યક્ષમતા પણ વધી જતી હોવાનુ જણાવી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈ દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતોને તડબુચની ખેતી માટે આગળ લાવવા માટે, ઘણા વર્ષોથી પ્રયત્નો કરવાના આવે છે, તેમ કહ્યુ હતુ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈ દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩મા RKVY પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના દીવડીયાવન, સતી, માછળી વિગેરે ગામોના લગભગ ૯૮ જેટલા ખેડૂતોને નિદર્શન આપવામા આવ્યા હતા. જેના કારણે ખેડૂતો તડબુચની ખેતીમા અત્યારે ઘણા આગળ વધી શક્યા છે.
મલીન ગામના યોગેશભાઈ ભીવસેન તરબૂચની આધુનિક ખેતી પદ્ધતિ કરવા માટે ખૂબ સારી રીતે સફળ રહ્યા છે.તેમ જણાવતા શ્રી પ્રજાપતિએ, તડબુચના ખેતરમા ટપક પધ્ધતી, પ્લાસ્ટિક મલ્ચીંગ, અને ફર્ટીગેશન એ ત્રણેનો સુમેળ સાધી, સારુ એવુ ઉત્પાદન આ વર્ષે તેમણે લીધુ છે, તેમ જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લાના ખેડૂતો તડબુચની ખેતી પદ્ધતિમા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે, એ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈ દ્વારા, વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ જેવીકે ફિલ્ડ વિઝીટ, ડાયગ્નોસ્ટીક વિઝીટ, નિદર્શનો તથા વિવિધ તાલીમો દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શિત કરવામા આવી રહ્યા છે.
સાથે ખેડૂતોને વિવિધ પાકોની પુરતી માહિતી પણ સતત પુરી પાડવામા આવતી હોય છે, તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ. ખેતીની આવકના પૈસા, ખેતીમા જ રોકીને ખેતીનો સામૂહિક વિકાસ કરવાની નેમ સાથે, ખેતી અને પશુપાલનને એક આધુનિક વ્યવસાય તરીકે અપનાવી, પોતાની બાપદાદાની મહેનતમજુરીની જમીનને સિંચતા યોગેશ, જેવા યુવાનો અન્યો માટે પ્રેરણા બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024