સુરતના હજીરા વિસ્તારના પટેલ પરિવારના સસરા અને પુત્રવધુએ સ્મીમેરમાં સારવાર લઈને કોરોનાને મ્હાત આપી છે. બ્લડપ્રેશરની બિમારી ધરાવતા ૪૫ વર્ષીય નર્મદાબેન પટેલે ૨૪ દિવસ અને તેમના વયોવૃદ્ધ સસરા શિવાભાઈ પટેલ ૩૦ દિવસની સારવાર બાદ કોરોના સામે વિજયી બન્યાં છે. કોરોનામુક્ત થઈને નર્મદાબેન તા.૦૬ મે ના રોજ અને સસરા શિવાભાઈ ગત તા.૧૭ મે ના રોજ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા ત્યારે પરિવાર ખુશખુશાલ બન્યો હતો. વિશેષ વાત એ છે કે, એક મહિનાના સમયગાળામાં નર્મદાબેન, પતિ મણિલાલ અને પુત્ર અને સસરા સંક્રમિત થયાં હતાં, જેમાં મણિલાલ અને તેમના પુત્રએ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. આમ, આખો પટેલ પરિવાર એક મહિનાના સમયગાળામાં સ્વસ્થ થઈને કોરોના સામે વિજયી બન્યો છે.
મૂળ પાટણના કુકરાણા ગામના વતની અને હાલ સુરતમાં હજીરા સ્થિત ક્રિભકો ટાઉનશીપમાં રહેતા નર્મદાબેનના પતિ મણિલાલ પટેલે જણાવ્યું કે, મારા પત્ની નર્મદાબેનને સામાન્ય તાવ અને શારીરિક નબળાઈ જણાઈ હતી. ત્યારબાદ છ-સાત દિવસ પછી તાવ, માથા અને શરીરમાં દુ:ખાવો, ખાંસી જેવા લક્ષણો દેખાયા, એટલે RT-PCR રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો. તબિયત ખરાબ થતાં ઓક્સિજનનું પ્રમાણ પણ ધીરે-ધીરે ઓછું થતું ગયું. એટલે પહેલા તો પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવી પણ ક્યાંય બેડની વ્યવસ્થા ન થતા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા. હું અને મારો પુત્ર પણ આ દરમિયાન કોરોનાગ્રસ્ત બન્યાં હતાં, અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
સ્મીમેર હોસ્પિટલના ફરજ પરના તબીબ ડો.ઉર્જાએ જણાવ્યું કે, નર્મદાબેનને ૦૭ વર્ષથી પ્રેશરની બિમારી છે. ૧૭મી એપ્રિલે નર્મદાબેન અને તેમના સસરા શિવાભાઈને એકસાથે દાખલ કરાયા હતાં. નર્મદાબેનનું લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટીને ૩૦ ટકા જેટલું જ મેઈન્ટેઈન રહેતું હતું. કફ અને ખાંસી હોવાથી એચ.આર. સિટી સ્કેન કરાવ્યું. સિટી સ્કેનમાં ફેફસાં ૬૦ ટકા કોરોના ઇન્ફેકશન ધરવતા હતાં. જેથી ICU વોર્ડમાં શિફ્ટ કરી બાયપેપ પર રાખી સારવાર શરૂ કરી. સરકારની ગાઈડલાઈન મુજબ તમામ જરૂરી દવા અને ઈન્જેક્શનના ડોઝ આપવામાં આવ્યા. નર્મદાબેનને ૧૦૦ ટકા ઓક્સિજન પર રાખ્યા હતાં. ૬ દિવસ બાયપેપ પર રાખવામાં આવ્યા હતાં. સમયસર સારવાર મળતા રિકવરી લાવવામાં સફળતા મળી.
ડો.ઉર્જાએ કહ્યું કે, નર્મદાબેનને અને તેમના સસરા કોરોનાગ્રસ્ત હોવા છતા પણ જ્યારે ઘરે વાત કરતા ત્યારે કહેતા કે 'સ્મીમેરમાં અમને કંઈ જ પ્રોબ્લેમ નથી. અમે સ્વસ્થ થઈને જલદી જ ઘરે આવી જઈશું.' તેમના મજબૂત મનોબળે પણ સ્વસ્થ થવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સ્મીમેર હોસ્પિટલના તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા અપાતી તમામ પ્રકારની સૂચનાનું શિવાભાઈ પાલન કરતા. બંનેનું સ્મીમેરના સ્ટાફ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવતું. ધીરે ધીરે તેમની તબિયતમાં સુધાર આવતા નર્મદાબેનને તા.૩ મે ના રોજ જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા. શિવાભાઈની તબિયતમાં પણ સુધારો આવતાં ધીરે ધીરે તેમનું બાહ્ય ઓક્સિજન ઘટાડતા ગયા અને અંતે નર્મદાબેનને ૨૪ દિવસ અને શિવાભાઈને ૩૦ દિવસની સારવાર બાદ કોરોનામુક્ત કરી રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. પટેલ પરિવારના અન્ય બે સભ્યોએ પણ પોઝિટિવ થયા બાદ સારવાર લઈ કોરોનાને મ્હાત આપી છે. ઘરના તમામ સભ્યોએ ગત ૩૧ માર્ચે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.
ઘર જેવું ભોજન, માયાળુ સ્ટાફ અને અપ ટુ ડેટ મેનેજમેન્ટ જોઈને સ્મીમેર હોસ્પિટલથી પ્રભાવિત થયો છું. સ્મીમેરની સારવાર સાથે અમે સૌએ કોરોનાની રસી મૂકાવી હતી એ બંને પાસાના કારણે અમે સ્વસ્થ થયા છીએ એમ મણિલાલ જણાવે છે.આમ, એક મહિનાના સમયગાળામાં આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો પરંતુ સૌ સ્વસ્થ થઈ જતાં આ પરિવારની ખુશીઓનો પાર નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500