હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) યોજાઈ રહી છે ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના સુકાની તરીકે હાર્દિક પંડ્યાની વરણીને હજી પણ પ્રશંસકો સ્વિકારી રહ્યા નથી અને લગભગ દરેક મેચમાં પ્રેક્ષકો તરફથી હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવી રહ્યો છે ત્યારે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે મુંબઈ ઇન્ડિયન્સે તના નિર્ણયની આપ-લેમાં યોગ્ય ચર્ચા-મંત્રણા કરી હોત તો આ મામલો ઉકેલી શકાયો હોત. જોકે રવિ શાસ્ત્રીએ આ મુદ્દે હાર્દિક પંડ્યાને શાંત રહેવા અને મજબૂત પ્રદર્શન કરીને પરત ફરવાની સલાહ આપી છે. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ભારતીય ક્રિકેટ ટીમ રમી રહી નથી. આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે. ફ્રેન્ચાઇઝી દ્વારા ખેલાડીઓને જંગી રકમ ચૂકવવામાં આવે છે. અહીં તેઓ માલિક છે અને તેમને કયા ખેલાડીને કેપ્ટન બનાવવો તેનો અધિકાર છે. બરાબર છે પણ મારું માનવું છે કે આ મુદ્દાને સ્પષ્ટતા સાથે ઉકેલી શકાયો હોત.
જો તમે હાર્દિકને સુકાની તરીકે ઇચ્છતા હો તો એમ કહો કે તમે ભવિષ્ય અંગે યોજના ઘડી રહ્યા છો. અમે તેને કેપ્ટન તરીકે સજ્જ કરવા માગીએ છીએ. બધા જાણે છે કે રોહિતે શાનદાર કામગીરી બજાવી હતી અને અમે રોહિત પાસેથી આશા રાખીએ છીએ કે તે આગામી ત્રણ વર્ષ માટે હાર્દિકને સજ્જ થવામાં મદદ કરે તેમ શાસ્ત્રીએ ઉમેર્યું હતું. આ પ્રકારની માહિતીની આપ-લે અને સ્પષ્ટતા દરેક માટે જરૂરી છે તેમ કહીને શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે તેનો અર્થ એમ નથી કે અમ રોહિતને નથી ઇચ્છતા તેમ કહેવું અથવા તો રોહિત સાથે ખરાબ વ્યવહાર કરવો. અને, આ તમામ બાબત હાલમાં સોશિયલ મીડિયા પર આવી રહી છે. જોકે રવિ શાસ્ત્રીએ એવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી કે એક વાર મુંબઈ ઇન્ડિયન્સ મેચો જીતવાની શરૂઆત કરશે ત્યાર બાદ પરિસ્થિતિ બદલાઈ જશે.
એકાદ બે મેચમાં પ્રદર્શન કરવા દો અને મુંબઈ ઇન્ડિયન્સ એક મજબૂત ટીમ છે. જો તેઓ વિજયના માર્ગે આવી ગયા તો તેઓ સતત ત્રણ કે ચાર મેચ જીતી શકે છે. આમ થશે તો બધું જ બરાબર થઈ જશે અને વિરોધ પણ ખતમ થઈ શકે છે. અંતે તો પરિણામ પર જ બધો આધાર છે. તમે મેચ જીતો અને સ્થિતિ બદલાઈ જતી હોય છે. બીજું કેટલીક વાતો માત્ર મનઘડંત હોય છે. આ પ્રકારની વાર્તા ઘડી કાઢવામાં આવતી હોય છે, ઘણી વાતો અન્ય લોકોના નામે ચગાવવામાં આવે છે અને તેમાં મારું નામ પણ હોઈ શકે તેમ શાસ્ત્રીએ જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડનનું પણ માનવું છે કે રોહિત શર્મા પ્રત્યેના પ્રશંસકોના હકારાત્મક વલણ પાછળ તેનો ભૂતકાળ છે કેમ કે આખરે તેણે 11 વર્ષ સુધી મુંબઈ ઇન્ડિયન્સની આગેવાની લીધેલી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500