કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તારીખ 11 થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન ઊજવવાનું નક્કી કરાયું છે. ગુજરાતમાં પણ આ અભિયાન હેઠળ દરેક ઘર, ઉદ્યોગ, સંસ્થા, હોટેલ-રેસ્ટોરાં, દુકાનો સહિતનાં સ્થળો પર ત્રિરંગો લહેરાય તેવી સ્વયંભુ ઝુંબેશ હાથ ધરાશે.
આ બાબતની રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીનાં માર્ગદર્શન હેઠળ વિભાગે તૈયારી આરંભી દીધી હોવાનું સુત્રોનું કહેવું છે. ગુજરાતમાં આશરે 1.25 કરોડ ઘર છે, તે પૈકી 1 કરોડ ઘરે ત્રિરંગો લહેરાય તેવું લક્ષ્ય હોવાનું સુત્રોનું કહેવું છે. રાજ્યનાં અન્ન-નાગરિક અને પુરવઠા વિભાગે આ બાબતનો પરિપત્ર કરીને પણ સસ્તા અનાજની દુકાનોને અભિયાન હેઠળ ત્રિરંગો લહેરાવવાની સૂચના આપી દીધી છે.
આ અભિયાન ફરજિયાત નથી પણ દરેક નાગરિક સ્વયંભૂ તેમાં જોડાય તેવા પ્રયાસ કરાશે તેમ સુત્રોનું કહેવું છે. કેન્દ્ર સરકારે ત્રિરંગાના ફ્લેગ કોડમાં પણ ફેરફાર કર્યો હોવાનું છે. સૂત્રોએ કહ્યું કે, અગાઉ માત્ર ખાદીનાં કાપડનો ત્રિરંગો હોય તેવો નિયમ હતો, તેમાં ફેરફાર કરી ખાદી અથવા હાથથી કાતેલા કાપડનો, મશીનથી બનેલા કપડાનો, પોલિસ્ટર, ઊન, સિલ્ક જેવા કાપડનો પણ માન્ય રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500