સમગ્ર દેશમાં આજથી શરૂ થતા “હર ઘર તિરંગા” અભિયાનમાં તાપી જિલ્લામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તાપી જિલ્લાના ઉચ્છલના સેલુડ ખાતે જિલ્લાના બોટ મંડળીઓ દ્વારા નૌકા યાત્રા યોજી હતી. જેમાં માછીમારોએ બોટ ઉપર ધ્વજ લગાવી તિરંગાને સલામી આપી હતી. આ સાથે નૌકા ઉપર પોલીસ જવાનો પણ તૈનાત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ સાથે અહલાદક વાતાવરણ તિરંગામય બન્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમમાં અધ્યસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે, આપણી આન-બાન-શાન સમા તિરંગાના ઉત્સવને માણવાનો આ અનેરો અવસર છે. તેમણે સૌ ગ્રામજનોને હર ઘર તિરંગા કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા અપીલ કરી હતી. તેમણે આઝાદીની લડતમાં આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ અમુલ્ય યોગદાનને ખાસ યાદ કરી સૌ આદિવાસી બાંધવોને આ માટે ગર્વ લેવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા એ જણાવ્યું હતું કે, તાપી જિલ્લા પ્રશાસન હંમેશા નવીન કામગીરી માટે પ્રખ્યાત છે. આખા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં આ પ્રકારની બોટ રેસનું આયોજન પ્રથમ વાર થયું છે. જેના માટે તેમણે કલેકટરશ્રી અને ડીડીઓશ્રીને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ઉપસ્થિત સૌ “માછીમારી એટલે જળાશયમાં છુપાયેલું સોનુ” કહી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાર્યરત માછીમારીના વ્યવસાયને લગતી વિવિધ યોજનાઓનો લાભ લેવા આગ્રહ કર્યો હતો. અંતે તેમણે જિલ્લા પ્રશાસન અને પદાધિકારીઓના સાથ સહકારથી સેલુડ ગામ ખાતેના વિવિધ ટાપુઓ અને ઉકાઈ જળાશયને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ તરીકે વિકસાવવા માટેના આયોજન અંગે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયાએ પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ત્રિવેણી સંગમ સમાન છે.“હર ઘર તિરંગા” કાર્યક્રમ તાપી જિલ્લામાં ખૂબ સફળતા મેળવી રહ્યો છે. જેમાં નાગરિકો દ્વારા ભારે ઉત્સાહ સાથે તમામ કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. તિરંગા યાત્રા, તિરંગા પદયાત્રા, 15મી ઓગસ્ટની રિહર્સલ અને તિરંગા નૌકા યાત્રા આ ત્રણે કાર્યક્રમો ત્રિવેણી સંગમ સમાન છે.તેમણે આ વર્ષને વાવેતરની દ્રષ્ટિએ “14 આનાથી 16 આનાનો વર્ષ” ગણાવી ઉમેર્યું હતું કે, આ વર્ષે વરસાદ સારો થવાથી ઉકાઈ જળાશયમાં પર્યાપ્ત પાણી સંગ્રહ થયેલ છે. ખેડૂતો દ્વારા સારું વાવેતર થયેલ છે. ઉકાઈ જળાશયનું પાણી આખા વર્ષ માટે કામ લાગશે અને ખેતીમાં વૃદ્ધિ થશે.
વધુમાં તેમણે ઉદવહન સિંચાઈ યોજના દ્વારા 69 હેક્ટરમાં સિંચાઈનું પાણી પહોંચાડવાના આયોજન અંગે જણાવ્યું હતું. અંતે તેમણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે સૌને અવગત કરી તેનો લાભ લઈ મતાધિકારના હક દ્વારા લોકશાહીમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.આ પ્રસંગે સેલુડના જળાશય ખાતે નૌકાઓની હરીફાઈમાં વિજેતા બનેલા ટીમોને મહાનુભાવના હસ્તે ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે દાનિયલભાઈ સેગાભાઈ ગામીત, બીજા ક્રમે દેવીદાસ જેવનભાઈ ગામીત અને ત્રીજા ક્રમે સુનિલ સુરતાજ ગામીતને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે દરેક સ્પર્ધકોને ટી-શર્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500