ઝીલકુમાર / મહુવા : સુરત જિલ્લાના મહુવા ખાતે ગુટખા ખાવાની બાબતે પતિ-પત્ની વચ્ચે નજીવા ઝઘડાએ મોટું સ્વરૂપ લેતા પતિએ પત્નીને લાકડીથી માર મારતા પત્નીનું મોત નિપજતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લામાં સેવા ગામે રહેતા ચંપકભાઈ રાજુભાઈ વસાવે પોતાની પત્નિ મમતાબેન વસાવ સાથે છેલ્લા ત્રણ વર્ષથી મહુવા ટાઉનમાં જુના પુલના નાકે આવેલ નીલા પાર્કના ક્વાર્ટસમા રહી બાગની દેખરેખ રાખી મજૂરી કામ કરતા હતા.
પતિ ચંપકભાઈ વસાવેને ગુટખા ખાવાની ટેવ હોય અને તે ગુટખા ખાઈ ઘરના તેમજ આજુબાજુ થુકીને ગંદકી કરતો હોય જે બાબત તેમની પત્નિ મમતાબેનને પસંદ ન હોય જેથી બંને પતિ-પત્નિ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. પતિ ચંપકભાઈ ગુટખા ખાઈ ઘરની આજુબાજુ થુકતા પત્નિએ ઘરની આજુબાજુ થુકવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી પતિ ચંપકભાઈ વસાવે અચાનક ઉશ્કેરાય ગયા હતા અને 25 વર્ષીય પત્ની મમતાબેન વસાવેને વાંસની લીલી સોટી વડે ફટકાર્યો હતો.
યુવાન પત્નિને ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન થઈ ગઈ હતી જેથી પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે મહુવા સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી.
ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસ દ્વારા મોતનુ સાચુ કારણ જાણવા માટે સુરત ફોરેન્સિક પી.એમ કરાવ્યુ હતુ.જ્યાં પત્નિનુ મોત મૂઢ માર વાગવાથી થયુ હોવાનુ બહાર આવતા મહુવા પોલીસ દ્વારા પતિ ચંપકભાઈ રાજુભાઈ વસાવેની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરતા તમામ હકીકત બહાર આવી હતી. પતિ વિરુદ્ધ મહુવા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ મહુવા પો.સ.ઈ બી.એસ.ગામીતે હાથ ધરી છે .
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500