Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતનાં સહારા દરવાજા પર બન્યો છે ગુજરાતનો પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ

  • June 20, 2022 

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન પર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર, સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર રૂા.૧૩૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે સુરતવાસીઓને ૧૧૭મા ફ્લાયઓવર બ્રિજની ભેટ મળી છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શહેરી વિકાસ,શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.



સહારા દરવાજા પાસે અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં સંબોધન કરતા સાંસદ અને પ્રદેશ સંગઠન અધ્યક સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતના ચોમેર વિકાસની સાથોસાથ શ્રેણીબદ્ધ રિવર બ્રિજો, ફ્લાયઓવર બ્રિજો બનવાથી સમગ્ર સુરતનો વાહન વ્યવહાર સરળ-સુગમ બન્યો છે. બ્રિજના માર્ગમાં આવતી બાબાસાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓને સર્વ સંમતિથી સલામત સ્થળે ખસેડવામાં આવી હોવાનું પણ પાટિલે જણાવ્યું હતું, શહેરીજનોની માંગ ઉઠે એ પહેલાં જ સુરત પાલિકા સુખસુવિધા આપી દેવાની આગવી કાર્ય પ્રણાલી ધરાવે છે.



સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકા સૌથી વધુ ટ્રીટેડ વોટર શહેરીજનોને પૂરૂં પાડે છે. પાલિકા વેસ્ટ વોટરમાંથી વોટર ટ્રીટમેન્ટ કરી ઉદ્યોગોને ટ્રીટેડ વોટરનું વેચાણ કરે છે, જેના થકી કરોડોની વધારાની આવક ઉભી કરીને આત્મ નિર્ભરતાની વિભાવના સાકાર કરી રહી છે. તેમણે આ બ્રિજ બનવાથી લાખો વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે. ઉપરાંત, લોકોના સમય અને ઈંધણની પણ બચત થશે એમ પણ ઉમેર્યું હતું.



કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરત મહાનગર પાલિકાને બ્રિજ નિર્માણ કરી શહેરીજનોની સુવિધામાં વધારો કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગુજરાત અને કેન્દ્રમાં ડબલ એન્જીનની સરકારના ડબલ ફાયદાઓ મળે છે તે સુરત શહેર પુરવાર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રાલય, કોર્પોરેશન અને કેન્દ્ર સરકારના સમન્વયથી સુરતનો સર્વાંગી અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે. હાલમાં જ ધર્મશાળા ખાતે આયોજિત સમિટમાં સુરત શહેરના વિકાસની પ્રશંસા થઈ રહી છે.



સુરતના વિકાસમાં યશકલગી સમાન આ બ્રિજની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. જે સુરત માટે ગૌરવની ક્ષણ છે. કેન્દ્રીય મંત્રીએ રેલવે વિભાગ અને પાલિકા તંત્રના આગવા આયોજનના પરિણામે અતિ વ્યસ્ત એવા આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કર્યા વિના અને નિયત સમયમાં બ્રિજનું કાર્ય પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી છે એમ જણાવી તંત્રની કામગીરીની સરાહના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application