ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થવાથી ઘોરણ-1 પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 12,336 શાળાઓમાં આ વર્ષે ધોરણ-1 માં એક પણ વિદ્યાર્થી નથી. રાજ્યમાં સરકારી અને સરકાર તરફથી સહાય મેળવતી કુલ 31,700 શાળાઓ છે, આમ 39% શાળાઓ અથવા દર 10 માંથી ચાર શાળાઓ એવી છે જેમાં પહેલા ધોરણમાં એક પણ વિદ્યાર્થી નથી. માત્ર અમદાવાદ શહેરમાં જ આવી 232 શાળાઓ છે.
ઘોરણ-1માં વિદ્યાર્થીઓના ઘટાડાનું મુખ્ય કારણ પ્રવેશ નિયમોમાં ફેરફાર છે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) મુજબ 1 જૂન અથવા તે પહેલાં બાળકના છ વર્ષ પૂર્ણ થયા હોય તો જ પહેલા ધોરણમાં એડમિશન મળી શકે. આ નિયમ, NEP 2020 હેઠળ વર્ષ 2020 માં જ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ કોવિડ પાનડેમિકને કારણે બે વર્ષ આ નિયમ લાગુ કરવામાં આવ્યો ન હતો. હવે આ વર્ષે નવો નિયમ લાગુ થતા સ્ટોપ-ગેપ વ્યવસ્થા તરીકે, રાજ્ય સરકારે KG-2 અને ધોરણ-1 વચ્ચે ‘બાલ વાટિકા’ ની વ્યવસ્થા કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગના અંદાજ મુજબ આ વર્ષે લગભગ 7.5 લાખ વિદ્યાર્થીઓ બાલ વાટિકામાં પ્રવેશ મેળવ્યો છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પ્રવેશ નિયમમાં ફેરફારને કારણે 2033 અને 2035માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થવાની શક્યતા છે.રાજ્યના શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધોરણ-1માં વિદ્યાર્થીઓ વિનાની સરકારી શાળાઓ 39% અને ખાનગી શાળાઓ 14% છે. આમ ગુજરાતમાં કુલ 42,041 શાળાઓમાંથી 13,736 અથવા 33% શાળાઓમાં ધોરણ-1માં એક પણ વિદ્યાર્થી નથી.સામાન્ય રીતે દર વર્ષે સરેરાશ 10 લાખ વિદ્યાર્થીઓ ધોરણ-1 માં પ્રવેશ મેળવતા હોય છે. નવા નિયમને કારણે આ વખતે માત્ર 3.18 લાખ બાળકો એ જ પ્રવેશ લીધો હતો. જયારે KG-2 માંથી 7.45 લાખ બાળકોએ ‘બાલ વાટિકા’માં પ્રવેશ લીધો છે. જેમાં સરકારી શાળાઓમાં 5.2 લાખ અને ખાનગી શાળાઓમાં 2.2 લાખ બાળકોનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500