સુરત ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરતના સંસદસભ્ય-ધારાસભ્યશ્રીઓ અને શહેર પોલિસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રી સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, ગૃહ સચિવશ્રી, સુરત પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમરની ઉપસ્થિતિમાં પોલિસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના વિકાસમાં સુરતનું અનન્ય યોગદાન છે. રાજ્યના વિકાસ માટે પાયાની પૂર્વ શરત સુદ્રઢ કાયદો વ્યવસ્થા છે. નાગરિકોને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તે રીતે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખ્તાઈથી પગલાં લેવા પણ તેમણે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, જમીનો પચાવી પાડવાની પ્રવૃત્તિઓ કરનારા ભુમાફિયાઓ વિરૂધ્ધ રાજય સરકારે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ’ અમલમાં મૂકીને ગુનેગારોને ૧૦ થી ૧૪ વર્ષની કડક સજાની જોગવાઈ કરી છે, ત્યારે લેન્ડ ગ્રેબિંગ અને ગુજસિટોક કાયદાનો રાજ્યમાં કડક અમલ કરાશે. શ્રી જાડેજાએ પોલિસ અધિકારીઓને પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં પોલીસ અધિકારીઓ હિંમતપૂર્વક આગળ વધે એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સુરતના સંસદસભ્ય-ધારાસભ્યશ્રીઓએ ગૃહરાજ્યમંત્રીશ્રીને તેમના વિસ્તાર માટે જનહિતના સૂચનો અને રજૂઆતો કરી હતી. જેનું સકારાત્મક નિવારણ લાવવા તેમણે ખાતરી આપી હતી. આ સંદર્ભે તેમણે જણાવ્યું કે, સુરત શહેરની વસ્તીને ધ્યાને લઈને તબક્કાવાર મહેકમ અનુસાર પોલીસની ફાળવણી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પોલિસના વધુ સંખ્યાબળની સાથે પીસીઆર વાનો, સી.સી.ટીવી કેમેરા, નવા પોલિસ સ્ટેશનની વધુ ફાળવણી કરવામાં આવશે. પોલિસ વિભાગની ભરતી દરમિયાન સુરત શહેરની જરૂરિયાત પર વિશેષ ધ્યાન આપી સુરતની સુરક્ષાને વધુ મજબૂત અને પોલિસ વિભાગને વધુ કાર્યક્ષમ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કોરોના સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સ તરીકે રાજ્યના પોલીસ બેડાએ પ્રજાના મિત્ર તરીકે અને પ્રજાહિતમાં કરેલી કામગીરીની પ્રસંશા કરી હતી. લોકડાઉનના પાલન અને હવે અનલોકની સ્થિતિમાં પણ પોલીસની સરાહનીય કામગીરી માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે વર્ષ દરમિયાન શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ગુનાખોરી ડામવામાં શહેર પોલિસ વિભાગે કરેલી કામગીરીનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવરણ કર્યું હતું. પોલિસ કમિશનરશ્રી ગૃહવિભાગ અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કરી સુરત પોલિસ અને ટ્રાફિક વિભાગ માટે માનવબળ, નવા પોલિસ સ્ટેશન બનાવવા તેમજ વખતોવખત કરવામાં આવતી મદદ બદલ કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
આ વેળાએ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના વરદ હસ્તે 'ડ્રગ્સ ફ્રી સુરત' તથા ડાયલ-૧૦૦ પી.સી.આર., વરિષ્ઠ નાગરિકો, કોવિડ-૧૯ વિષયક પોલિસ કાર્યરિતીની ઝાંખી કરાવતી પુસ્તિકાઓનું વિમોચન કરાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500