Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, વીજળી જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી સમગ્ર દેશમાં વિકાસના માપદંડોમાં ગુજરાત અગ્રેસર

  • May 21, 2023 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરના આજ બીજા દિવસે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ સચિવ શ્રી અમરજીત સિંહાએ ડેવલપમેન્ટ ઇસ્યુ વિષયક વિચારપ્રેરક પ્રવચન આપતા કહ્યું કે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રીયા છે. વિકાસના તમામ ક્ષેત્રોમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. અમૃત કાળમાં લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે ત્યારે, ગુજરાતે છેવાડાના માનવીના સમાવેશી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, વીજળી જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી સમગ્ર દેશમાં વિકાસના માપદંડોમાં અગ્રેસર છે.


તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવા માટે ચિંતન શિબિરના માધ્યમથી સામુહિક મંથનનો પ્રયાસ અનુકરણીય છે.ગુજરાત અનેક ક્ષેત્રેમાં અગ્રેસર છે, તેમ કહેતા તેમણે જણાવ્યું કે, માથાદીઠ આવક, ઉત્પાદન, દેશની કુલ નિકાસમાં ૨૨ ટકા હિસ્સો, ૪૩ ટકા શહેરીકરણ, નલ સે જલનું સુદ્રઢ અમલીકરણ, દેશના કુલમાંથી ૪૦ ટકા પોર્ટ કાર્ગો હેન્ડલિંગ સાથે ગ્રામીણ વસ્તીના ૩૪ લાખ લોકોને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવામાં આવ્યા છે. આ સિદ્ધિ નોંધનીય છે.


શ્રી સિંહાએ કહ્યું કે, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રોનો પણ સાતત્યપૂર્ણ વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. જે ગરીબ નિર્મૂલન માટે ખૂબ જ અગત્યની બાબત છે.તેમણે વિકાસના પાયામાં મહિલાઓની ભાગીદારી મહત્વની હોવા પર ભાર મૂકતા કહ્યું કે, વિશ્વના જે દેશો વિકસિત છે, તેના સ્ત્રી શિક્ષણનું પ્રમાણ જોઇએ તો માલૂમ પડશે કે ત્યાં સ્ત્રી શિક્ષણનો દર વધું છે. ભારતમાં આપણે હજુ ઉચ્ચ શિક્ષણમાં જેન્ડર ગેપ પૂરવાની જરૂર છે. આ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યા છે. જેના ઉત્તમ પરિણામો મળી રહ્યા છે.


વિકાસના પાયામાં ગરીબી નિર્મૂલન છે, તે દિશામાં કામ કરી રહેલા કેટલાક રાજ્યોના સંદર્ભમાં તેના કેટલાક માપદંડોની માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, મહિલાઓને ઉચ્ચ શિક્ષણ, ફર્ટીલિટિમાં ઘટાડો, આરોગ્યક્ષેત્રમાં સુધારો, મહિલાઓના સ્વસહાય જૂથોની રચના કરી તેને પગભર કરવા, કૌશલ્યવર્ધન થકી આજીવિકાના વિવિધ સ્ત્રોતોનું નિર્માણ અને સ્વસહાય જૂથોનું બેંક સાથે જોડાણ જેવી બાબતો અગત્યની હોવાનું તેમણે કહ્યું હતું.


શ્રી અમરજીત સિન્હાએ ૧૦ મુદ્દા આધારિત વિકાસની વિભાવના આપી હતી. જેમાં કોમ્યુનિટી એકશન પ્લાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુપોષણ નિવારણ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, ખોરાક અને પોષણમાં વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરૂરી દવાઓની ઉપલબ્ધી અને નવજાત બાળકોની કાળજી માટે ઘરગથ્થું ઉપાયો, બાળકોનું સંપૂર્ણ અને અસરકારક રસીકરણ જેવી બાબતોની વિભાવનાઓ ઉપર તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.


નારીશક્તિના નેતૃત્વમાં ગ્રામીણ વિકાસ કેવી રીતે કરી શકાય તે બાબતની પણ તેમણે સુંદર માહિતી આપી હતી અને માઇક્રોફાયનાન્સનું પ્રમાણ વધારવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો. શ્રી સિન્હાએ વિવિધ ઉહારણો આપીને મહિલાઓના શિક્ષણ અને આર્થિક સ્વનિર્ભરતાનું વાતાવરણ કેવી રીતે પૂરૂ પાડી શકાય અને તેમાં સ્થાનિક સંસ્થાઓ, સરકારો, સહકારી સંસ્થાઓના સમન્વયની આવશ્યક્તા હોવાનું જણાવ્યું હતું.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા માનવ વિકાસ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં સરકારી શાળાઓ, આંગણવાડીઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું સુદ્રઢીકરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા એક તબક્કામાં ૪૧ કરોડ નાગરિકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે.


ગુજરાતમાં જળ સંચય ક્ષેત્રે થયેલી અદ્દભૂત કામગીરીની શ્રી સિંહાએ પ્રશંસા કરતા કહ્યું કે, કોઇએ સ્વપ્નમાં પણ ના વિચાર્યું હોય કે આપણે એવા સ્થળે બેઠા છીએ જ્યાં જળ સંચયનું કામ પણ થયું છે અને સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ કરી પ્રવાસન સ્થળ પણ બનાવવામાં આવ્યું છે. જેના પરિણામે સ્થાનિક લોકોને માટે રોજગારીની તકોનું સર્જન થયું છે.

આ ચર્ચા સત્રમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application