ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આજે બીજા તબક્કામાં 59 ટકા મતદાન થયું હોવાના અહેવાલો છે. જો કે હજુ ચૂંટણી પંચ તરફથી અંતિમ આંદો આવવાનો બાકી છે. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ બેઠકો પરના 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ ગયો અને EVM સીલ કરવાની કામગીરી શરુ થઈ ગઈ છે. બીજા તબક્કામાં 764 પુરુષ અને 69 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે. અગાઉ પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 99 બેઠકો પર સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું.
જણાવી દઈએ કે વર્ષ 2017માં 68.39 ટકા મતદાન થયું હતું. જયારે આ વખતે બીજા તબક્કામાં 58.38 ટકા મતદાન થયું છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં 66 ટકા થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 53 ટકા થયું હોવાની માહિતી મળી છે.સાબરકાંઠા 65 ટકા, પાટણમાં 57 ટકા, મહેસાણામાં 61 ટકા, અરવલ્લીમાં 60 ટકા, ગાંધીનગરમાં 59 ટકા, આણંદમાં 60 ટકા, ખેડામાં 61 ટકા, મહિસાગરમાં 55 ટકા, પંચમહાલમાં 62 ટકા, દાહોદમાં 56 ટકા, વડોદરામાં 60 ટકા, છોટા ઉદેપુરમાં 62 ટકા મતદાન નોંધાયું છે.
એક બે નાની બબાલોને બાદ કરતા મતદાન સંપૂર્ણ શાંતિ સાથે સમાપ્ત થયું છે. ત્યારે કલોલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ બબાલ થઈ હોવાના અહેવાલો છે. જો કે પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો આગામી 8 ડિસેમ્બરે આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500