હજારો વર્ષથી માણસના ખોરાકમાં જીરાનો ઉપયોગ થાય છે. જીરાનો પાક મધ્ય પૂર્વ અને ભૂમધ્ય સમુદ્ર કાંઠાના દેશો, ભારત અને ચીનમાં ઉગાડવામાં આવે છે. વિશ્વમાં ભારત જીરાનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. ગુજરાત અને રાજસ્થાન એ જીરાનું ઉત્પાદન કરતા બે મુખ્ય રાજ્યો છે, જે દેશના કુલ ઉત્પાદનનો હપ ટકા કરતા વધારે હિસ્સો ધરાવે છે. વિશ્વભરમાં લોકો જીરાનો ઉપયોગ ખોરાકમાં મસાલા તરીકે તેમજ તેના તેલનો ઉપયોગ સુગંધી દ્રવ્ય (અત્તર) તરીકે કરે છે. ભારતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન, પ્રતિકૂળ હવામાનને કારણે જીરાનું વાવેતર અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો હતો, પરિણામે ૨૦૨૨-૨૩ની કાપણીની મોસમ પછી તેના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો.
જેથી ચાલું વર્ષ ૨૦૨૩-૨૪માં જીરાનું વાવેતર વધીને અંદાજે ૧૨.૫ લાખ હેક્ટર જેટલું થયું છે, જે ગત વર્ષે ૭.૧૪ લાખ હેક્ટર હતું અને અનુકૂળ હવામાનને લીધે ચાલું વર્ષે ઉત્પાદન મધ્યમથી સારું અંદાજીત ૭.૬ લાખ ટન જેટલું થશે, જે ગયા વર્ષે ૪.૬૩ લાખ ટન જેટલું થયું હતું. ગુજરાતમાં ચાલું વર્ષ ૨૦૨૩-૨૪ માં, જીરાનું વાવેતર વધીને ૫.૪૭ લાખ હેક્ટર જેટલું થયું છે. જે ગયા વર્ષે ૨.૭૬ લાખ હેક્ટર હતું. તેમજ ઉત્પાદન લગભગ બમણું અંદાજીત ૪.૦૮ લાખ ટન (બીજો આગોતરો અંદાજ તા. ૧૭-૦૧-૨૦૨૪) જેટલું થશે, જે ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨.૧૪ લાખ ટન જેટલું થયું હતું. અમુક સંસ્થાઓના અહેવાલ મુજબ, રાજસ્થાનમાં જીરાનું વાવેતર ગયા વર્ષ કરતા ઘણું વધારે હોઈ શકે છે, અને ઉત્પાદન સામાન્ય રહેશે.
દેશમાંથી જીરાની નિકાસ વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨.૧૭ લાખ ટન જેટલી થઈ છે. જે ઘટીને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧.૮૬ લાખ ટન થયું છે. ઓછો પુરવઠો અને ઊંચા સ્થાનિક ભાવને લીધે ચાલું વર્ષે એપ્રિલ થી ડીસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ઘટીને માત્ર ૧.૦૭ લાખ ટન જીરાની નિકાસ થઈ છે. તેથી ફેબ્રુઆરી ૨૦૨૩માં ગુજરાતની વિવિધ બજારમાં જીરાનો ભાવ મણનાં રૂા. ૫૬૦૦ જેટલા હતા, જે વધીને મેં, ૨૦૨૩ મણનાં રૂ।. ૮૪૦૦ થયા હતા અને આગળ વધીને ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૩ માં મણનાં રૂા. ૧૧૦૦૦ જેટલા ઉંચા ગયા હતા. સારા યોમાસા અને આયાતને કારણે જીરુંના ભાવ ઘટવા લાગ્યા અને આ વર્ષે સારા ઉત્પાદનના અહેવાલને લીધે જાન્યુઆરી ૨૦૨૪માં ઘટીને મણનાં રૂ. ૫૬૦૦ જેટલા થયા અને હાલ ફેબ્રુઆરી, ૨૦૨૪ના છેલ્લા સપ્તાહમાં મણનાં રૂા. ૪૭૦૦ની આજુબાજુ પ્રવર્તમાન છે, જે થોડી વધ-ઘટ સાથે આ સ્તરે રહેવાની સંભાવના છે.
દેશમાં જીરાનું ઉત્પાદન અને બજારના અહેવાલોને ધ્યાનમાં લઈ, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની સંશોધન ટીમે રાજકોટ માર્કેટ યાર્ડનાં જીરૂના ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કર્યું છે. જે વિશ્લેષણ મુજબ JAU એચિકલ્ચર ઇકોનોમિક્સ ડીપાર્ટમેન્ટના રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. જી. ધાંધલિયા સહિતનાઓનું એવું તારણ છે કે માર્ચ થી એપ્રિલ, ૨૦૨૪ દરમિયાન જીરૂનાં ભાવ (કાપણી સમયે) મણનાં રૂ।. ૪૭૦૦ થી પ૨૦૦ (ક્વિન્ટલ દીઠ રૂા. ૨૩૫૦૦ થી ૨૬૦૦૦) રહેવાની સંભાવના છે. જેથી ઉપરોકત પરિસ્થિતિની નોંધ લઈ. જીરૂનો સંગ્રહ ન કરતાં કાપણી પછી તરત જ વેચાણ કરવા ખેડૂતભાઈઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે. આ વર્ષે ભારતમાં જીરાનુ વધુ ઉત્પાદન થવાનો અંદાજ હોવાથી નજીકના ભવિષ્યમાં જીરાનો ભાવ વધવાની શક્યતા ઓછી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500