ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે છેટું નથી અને એક પછી એક પાર્ટી તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અને ઘણા ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે ત્યારે કોંગ્રેસ હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામની મથામણ કરી રહ્યા છે. કોંગ્રેસના રાજ્યના નેતાઓ દ્વારા આ કોકડું ના ઉકેલાતા હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મેદાને આવી ગયા છે.
અશોક ગેહલોતે આજે તાત્કાલિક બેઠકનું આયોજન કર્યું હતું અને આ બેઠકમાં પ્રભારી રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ સામેલ હતા અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક્શનમાં લેવા માટે ગેહલોત એક્શનમાં આવી ગયા છે. ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે કોંગ્રેસ કમર કસી રહી છે. હજુ પણ કોંગ્રેસે તેમના પ્રથમ તબક્કાના 14 ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. આ માટે કોંગ્રેસનું કોકડું ઉકેલવા માટે ગેહલોતે ગુજરાતની કમાન હાથમાં લીધી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને લઈને કોંગ્રેસ અસમંજસમાં છે. જેને લઈને આજે એક બેઠક યોજાઈ હતી. જો કે હજુ પણ કોંગ્રેસ તરફથી કોઈ નામની જાહેરાત થઇ ન હતી.
કોંગ્રેસ દ્વારા ધ્રાંગધ્રા, રાજકોટ પશ્ચિમ, મોરબી, જામનગર ગ્રામ્ય, દ્વારકા, કોડીનાર,તલાલા, ગારિયાધાર, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, બોટાદ, જંબુસર, ભરૂચ, ધરમપુર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. સૌરાષ્ટ્રમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે 30 બેઠકો જીતી હતી અને તેની જીતનું માર્જિન 45 ટકા જેટલું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 19 દિવસ જેટલું છેટું છે ત્યારે કોંગ્રેસમાં નામની મથામણ ચાલી રહી છે. નોંધનીય છે કે સોમવારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. કોંગ્રેસ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. નોધનનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં છે. ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન પહેલી ડિસેમ્બરના થશે જયારે બીજા ચરણનું મતદાન પાંચમી તારીખે થશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500