ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉથલપાથલ જોવા મળી રહી છે. પક્ષપલ્ટુનું રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસમાંથી રાજીનામાનો દૌર પણ ચાલુ છે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધા બાદ આજે હિમાંશુ વ્યાસ ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
ગુજરાતમાં પહેલેથી જ કોંગ્રેસ બેકફૂટ ઉપર ચાલી રહી છે તેવામાં વધુ એક ઝાટકો ચૂંટણી પહેલા લાગ્યો છે. કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસ પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન ડોશીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ તકે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત ડાંગર, યજ્ઞેશ દવે,જયરાજસિંહ પરમાર અને જૂબીન આસરા ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ હિમાંશુ વ્યાસને ભાજપમાં સામેલ થતા તેમને આવકારવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હિમાંશુ વ્યાસ બે ટર્મથી સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે અને બંને વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થઇ છે.હિમાંશુ વ્યાસ કોંગ્રેસના દિગ્ગ્જ અને પીઢ નેતા સામ પિત્રોડાના નજીકના માનવામાં આવતા હતા. ભાજપમાં જોડાઈને હિમાંશુ વ્યાસે કહ્યું હતું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મને આશીર્વાદ આપ્યા છે. હું સંગઠનનો માણસ છું હું ચૂંટણી માટેની રાજનીતિ કરવા માટે અહીંયા નથી આવ્યો. મને પક્ષ જે જવાબદારી આપશે તે હું નિભાવીશ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500