મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાની સભામાં તેમની તબિયત લથડી જતાં તેમને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રખવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે-સાથે ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થિતિ સ્થિર અને સુધારા પર છે.
ઉલ્લેખનિય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેઓ છેલ્લા ઘણાં દિવસોથી પ્રચારમાં જોડાયા હતા અને આ દરમિયાન તેઓ ઘણાં નેતાઓ અને કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યા હતા. ગઈ કાલે વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન તેઓ મંચ પર જ ઢળી પડ્યા હતા. જે બાદ તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરોની સલાહ પ્રમાણે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયા અને તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો અને જે પોઝિટિવ આવ્યો છે.
અત્રે એ નોંધનિય છે કે, શનિવારે રાત્રે વડોદરા જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીનું બ્લડ પ્રેશર લો થઈ જતા તેઓ ચક્કર ખાઈને પડી ગયા હતા. જે બાદ તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમના તમામ રિપોર્ટ નોર્મલા આવ્યા હતા. પરંતુ આજે સવારે આવેલો કોરોના RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણી કોરોના સંક્રમિત થતા ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500