Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું, શહેરી વિસ્તાર કરતાં ગામડામાં મતદાન વધુ થયું

  • December 02, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પહેલા તબક્કાનાં નિરસ મતદાનના આંકડા સામે આવ્યા છે. આ તબક્કામાં સરેરાશ 59 થી 61 ટકા મતદાન થયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. આ તબક્કામાં 69 મહિલાઓ ચૂંટણી મેદાનમાં હતી. કેટલીક અનિચ્છનિય ઘટનાઓને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં 19 જિલ્લાની 89  બેઠકો પર લોકોએ મત આપ્યાં છે. આ તબક્કામાં વર્તમાન સરકારના 11 મંત્રીઓનું ભાવિ સીલ થયું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ કહ્યું હતું કે, આ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું છે.



મતદાન દરમિયાના 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે 104 અને  c-VIGILથી 221 ફરિયાદો મળી છે. મતદાનના આખરી આંકડાઓ મોડી રાત્રી સુધી આવી રહ્યાં છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માંગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.



નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ 1625 મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાબત નીતિવિષયક હોઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં ગ્રામજનો મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે. રાજ્યમાં 2017માં જ્યારે ચૂંટણી યોજાઇ હતી ત્યારે પ્રથમ તબક્કામાં 68.33 ટકા મતદાન થયું હતું.



આ વખતે ચૂંટણી પંચના વધુ મતદાન કરવાના અભિયાન છતાં મોંઘવારી, લગ્ન સિઝન અને અન્ય કારણોસર મતદારોમાં જોઇએ તેટલો ઉત્સાહ જોવા મળ્યો નથી. બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો ત્યારે પ્રથમ તબક્કાની બેઠકોમાં મતદાન ચાલી રહ્યું હતું. અહેવાલ પ્રમાણે શહેરી વિસ્તાર કરતાં ગામડામાં મતદાન વધુ  થયું હોવાનું માનવામાં આવે છે. અંદાજ પ્રમાણે તાપી જિલ્લામાં સૌથી વધુ 70 ટકા કરતાં વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે. સવારે 8 કલાકે શરૂ થયેલા મતદાન પછી એક કલાકમાં 9 વાગ્યા સુધી 4.94 ટકા અને 11 વાગ્યા સુધી 19.24 ટકા મતદાન નોંધાયું હતું.



રાજ્ય ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ 34.65 ટકા મતદાન થયું હતું. મતદાનના દિવસે ઘણાં પોલિંગ સ્ટેશન એવાં હતા કે જ્યાં મતદારોની લાઇન લાગી હતી. બપોરના 3 કલાકે મતદાનની ટકાવારી 42.26 ટકા પહોંચી હતી જેમાં સૌથી વધુ 64.27 ટકા તાપી જિલ્લાની બેઠકોમાં મત પડયા હતા. જોકે સાંજે 5 કલાકના આંકડા પ્રમાણે 19 જિલ્લામાં સરેરાશ 59 થી 61 ટકા મતદાન થયું છે. રાજ્યની 89 બેઠકો માટે 2.39 કરોડ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી હતી. આ માટે ચૂંટણી પંચે 25,430 મતદાન મથકો તૈયાર કર્યા હતા. આ મથકો પૈકી 9014 શહેરી વિસ્તારમાં અને 16416 ગ્રામીણ વિસ્તારમાં હતા. પ્રથમ તબક્કામાં કુલ 13065 વેબકાસ્ટિંગ મતદાન મથકો હતા.



મહત્વની બાબત એવી છે કે, ઉના મતવિસ્તારના બાણેજ ગામના મતદાન મથકે ચાર કલાકમાં 100 ટકા મતદાન થયું હતું, જોકે અહીંયા માત્ર મહંત હરિદાસ બાપુનો એક જ મત છે. ગીરના જંગલમાં મહાદેવના મંદિર પાસે પોલિંગ બુથ ઉભું કરવામાં આવ્યું હતું, જ્યાં મહંતે મત આપ્યો હતો. તાપીમાં મતદાન કરવા માટે એક યુવકે મહારાષ્ટ્રમાં થનારા લગ્નનો સમય બદલી નાંખ્યો હતો. જૂનાગઢમાં વોટીંગની તસવીરો વાયરલ થતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાની મતદાન કરવા માટે સાયકલ પર ગયા હતા અને પાછળની સાઇડે ગેસનું સિલિન્ડર બાંધ્યું હતું.



તેમણે મોંઘવારીના પ્રતિક વિરોધ સાથે મત આપ્યો હતો. રાજકોટના ગોંડલની બેઠક પર દિવસભર અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. આ બેઠકમાં રિબડા જૂથને ટિકીટ આપવામાં આવી ન હતી તેથી આ જૂથ આક્રમક બન્યું હતું. પોલીસ સાથે ઘર્ષણ થયાની ઘટના સામે આવી હતી. ચોર્યાસીના ભાજપના ઉમેદવારને ઇવીએમમાં મત આપ્યો હતો તેવો વિડીયો વાયરલ થયો હતો. ગોંડલના જામવાડી ગામના એક કેન્દ્રમાં કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવ્યો હતો. જૂનાગઢના શાપુરમાં ફરજ બજાવી રહેલા પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત ખરાબ થતાં તેમને સારવાર માટે ખસેડવા પડયા હતા.




હળવદના અજીતગઢમાં મહિલા સરપંચની પતિ સાથે ઝપાઝપી થઇ હતી. ગીર સોમનાથમાં એક તબક્કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સામસામે આવી ગયા હતા. દ્વારકાના ખંભાળિયામાં લગ્ન બાદ એક કપલ સીધું મતદાન કરવા પહોંચી ગયું હતું, જ્યારે લોકગાયક કિર્તીદાન ગઢવી આધાર કાર્ડ ભૂલી ગયા હોવાથી તેમને મતદાન કરવા જતા અટકાવાયા હતા. પાલીતાણામાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. જામનગર ઉત્તરના ઉમેદવાર રિવાબા જાડેજાએ રાજકોટ પશ્ચિમ બેઠક પર મતદાન કર્યું હતું, કારણ કે મતદાન યાદીમાં તેમનું નામ આ બેઠકમાં દર્જ થયેલું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application