Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં ડિસેમ્બરમાં યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી,સરપંચ પદના ભાવો વધવા લાગ્યા !!

  • August 28, 2021 

વર્ષના અંતમાં ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી વચ્ચે સુરત જિલ્લાની ૫૪૭ પૈકી અંદાજીત ૫૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવનાર છે ગ્રામ પંચાયત ચૂંટણી ને અનુલક્ષીને સરપંચ પદના રોટેશન બદલવા માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે રોટેશન મરજી મુજબના બદલવા માટે અથવા તો ગોઠવવા માટે ગ્રામ્ય કક્ષાએ આગેવાનોએ પાછલા બારણે ધમપછાડા શરૂ કરી દીધા હોવાનું જાણવા મળે છે.

 

 

 

 

 

આ અંગેની વધુ વિગતો મુજબ ૨૦૨૨ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે પૂર્વે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી હોય આ ચૂંટણીને વિધાનસભાના ટ્રેલર સમાન ગણવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષના બેનર વગર જ લડવામાં આવે છે પરંતુ પાછલા બારણે રાજકીય પક્ષોના ઇશારે સમગ્ર પ્રક્રિયા થતી હોય છે અને જે તે પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો જ આ ચૂંટણીમાં ઝંપલાવવા હોય છે ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકીય પક્ષો પણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સરપંચ સંમેલનો ના આયોજનો પણ કરતા હોય છે. એક સમયે સુરત જિલ્લામાં સરપંચના પદને મહત્વ આપવામાં આવતું ન હતું જેના કારણે મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ બનતી હતી.

 

 

 

 

જોકે હવે વિકાસ નો વાયરો ફૂંકાતા સૂમસામ ભાસતા ગ્રામ્ય પંથકો નું નવીનીકરણની સાથે ગ્રામ પંચાયતોનું રાજકારણ પણ હવે સક્રિય બનવા લાગ્યું છે ઉપરાંત ગ્રામ પંચાયતોના સરપંચોને વિકાસના કામો માટે વધુ સત્તાઓ મળતા સરપંચ પદના ભાવો પણ આસમાને પહોંચ્યા છે ગ્રામ પંચાયતો સમૃદ્ધ બનવાની સાથે સાથે સરપંચોની આવકો પણ વધવા લાગી હોવાનું કહેવાય છે. જેથી સરપંચ પદ મેળવવા માટે હવે રીતસરની હોડ જામતી હોય છે.

 

 

 

 

 

આગામી ડિસેમ્બર માસમાં સુરત જિલ્લાની ૫૪૭ ગ્રામ પંચાયતો પૈકી અંદાજિત ૫૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હોય ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે અનેક મુરતિયાઓ એ સાજ સજવાનું  શરૂ કરી દીધું છે. જોકે જિલ્લા તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીના ભાગરૂપે રોટેશન ની પ્રક્રિયા હાથ ધરી છે. જેથી ગ્રામ પંચાયત ના સમીકરણો બદલાય નહીં અથવા તો મરજી મુજબનું રોટેશન બદલવા માટે ગ્રામ્ય કક્ષાના કેટલાક બળુકા આગેવાનોએ પોતાના પક્ષના મોવડીઓને મળી રોટેશન માં મન મરજી મુજબની બાધછોડ કરાવવા માટે ધમપછાડા શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે.

 

 

 

 


અત્રે ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી બાદ તંત્ર દ્વારા ગ્રામ પંચાયતો નું સંભવતઃ રોટેશન જાહેર કરવામાં આવી શકે છે જેથી રોટેશન મુજબ ઉમેદવારો મળી રહે તે માટે જો ગામમાં સક્ષમ વ્યક્તિ ન હોય તો ખેત મજૂરો કે પછી ગામમાં નોકરી કરતા બારાતુ સગા સંબંધી ઓનો સંપર્ક કરી તેઓને પોતાની તરફ ખેંચવા માટે ગ્રામ્ય કક્ષાએ દોડધામ આરંભાઈ હોવાનું જાણવા મળે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application