Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના સિટી લાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે 'ક્રાફ્ટરૂટ્સ એક્ઝીબિશન'નો પ્રારંભ કરાવતા ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ

  • October 06, 2023 

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલશ્રીમતી આનંદીબહેન પટેલના હસ્તે શહેરના સિટીલાઈટ વિસ્તાર સ્થિત સાયન્સ સેન્ટર ખાતે હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો 'ક્રાફટરૂટ્સ એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા હસ્તકલાના કારીગરો દ્વારા ૫ દિવસ માટે ૮૦થી વધારે સ્ટોલ્સ પર વિભિન્ન ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. ક્રાફ્ટરૂટ્સ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ભારતીય હસ્તકલાને પ્રોત્સાહન આપી કારીગરોનાં આર્થિક તેમજ સામાજિક ઉત્થાનનો છે. આ પ્રસંગે દેશભરમાં સ્વચ્છતા માટે દ્વિતીય ક્રમાંક મેળવવા માટે શહેરવાસીઓને અભિનંદન પાઠવતા રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલે લુપ્ત થતી પારંપરીક હસ્તકળા તેમજ તેની સાથે જોડાયેલી કારીગરોની સંવેદનાઓને જીવંત રાખવા કરાતા પ્રયાસોની પ્રશંસા કરી હતી.



તેમણે જણાવ્યું હતું કે, હસ્તકળા એ ભારતમાં મહત્તમ રોજગારી પુરો પાડતો વ્યવસાય છે. કલાત્મક વસ્તુઓનાં ઉત્પાદન થકી આત્મનિર્ભર થતી મહિલાઓની કલાને વખાણી હતી. દરેક કારીગરોને બદલાતા સમય અને માંગ અનુસાર પોતાની કળામાં નવીનતા અને વિવિધતા લાવવાનું આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના મેયરએ જણાવ્યું કે, ક્રાફ્ટરુટ સંસ્થા વિવિધ રાજ્યોમાંથી આવેલા કારીગરોને તેમની હુન્નરના પ્રદર્શનની ઉત્તમ તક પ્રદાન કરે છે. તેમજ તેમણે દેશભરના ગામોમાં રહેલા હીરા જેવા કારીગરોને શોધી તેમની કલાને દેશ-વિદેશમાં પ્રચલિત કરવા યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ અનાર બેનને શુભેચ્છાઓ આપી હતી. સાથે જ સ્કીલ વ્યાપારને પ્રોત્સાહન આપતી તેમની સંસ્થાની પ્રશંસા કરી હતી.



ક્રાફ્ટરૂટ્સ પ્રદર્શનમાં ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને દિલ્હી સહિતના વિવિધ રાજ્યોમાંથી આવેલા કારીગરો દ્વારા પિછવાઈ, મધુબની અને પીઠોરા પેઇન્ટિંગ, જર્મન, બિડ્સ, મોતી અને લાખના ઘરેણાં, એલ્યુમીનીયમ/સિલ્વર/બ્રાસ અને એલોયનાં વાયરમાંથી બનતી વસ્તુઓ, કોપર બેલ આર્ટ, હેન્ડમેડ પર્ફ્યુમસ, નોન ટેક્ષ્ટાઈલ ક્રાફ્ટ્સ અને છાણામાંથી બનતા કલાત્મક સુશોભનો પ્રદર્શિત કરાયા છે. આ સિવાય કચ્છી મોજડી, ચામડાના બેગ અને જૂતા તેમજ બ્રાસ અને મેટલની મૂર્તિઓ, જૂટ અને નેતરની ચીજવસ્તુઓ અને બેગ્સ અને લેમ્પ પણ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. તો સાથે જ સિરામિક, લાકડું અને બ્રાસમાંથી બનાવેલી ઘર સુશોભનની વસ્તુઓ, માટીનાં મિનીએચર વાસણો તેમજ વેસ્ટ પ્લાસ્ટિકની થેલીઓમાંથી બનતી વિવિધ જાતની બેગ્સ અને પર્સ જેવી નવીન કલા કારીગીરીનો નમૂનો પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application