રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરનાં કારણે આજે 3 બાળકોનાં મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં 2 અને પંચમહાલમાં 1 બાળકનું મોત નીપજતા મૃત્યુ આંક કુલ 21 થયો છે. જ્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોની સંખ્યા 35 થઈ ગઈ છે. જેને લઈને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ગંભીર જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી રાજ્યનાં મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવશે.
ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે
• સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે,
• આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે,
• સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારોના ખાસ કરીને માટીના ઘરની દિવાલની તિરાડો રહે છે,
• સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે અને
• સામાન્ય રીતે 14 વર્ષ સુધીનાં બાળકો કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આ થવાનું જોખમ રહે છે.
ચાંદીપુરના લક્ષણો શું હોય છે...
• બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી અને બેભાન થવું.
સેન્ડ ફ્લાયથી થતાં રોગથી બચવા શું કરવું...
• ઘરની દિવાલોમાં અંદરનાં તેમજ બહારનાં ભાગમાં રહેલી તિરાડોને પુરાવી દેવી જોઈએ,
• ઘરની અંદરનાં ભાગે શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી,
• 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા અને
• બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહારના આંગણા-ધૂળમાં રમવા દેવા નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500