મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ૭માં પગાર પંચના પગાર તફાવતનો ત્રીજો હપ્તો ચૂકવવાનો નિર્ણય કર્યો છે, જે કોરોના મહામારીના કારણે એક વર્ષથી પેન્ડિંગ છે. જૂનના પગાર સાથે એરિયર્સ ચૂકવવામાં આવશે. લગભગ ૨૦ લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને ૭ લાખ નિવૃત્ત કર્મચારીઓને તેનો લાભ મળશે. સરકારે તા.૧ જાન્યુઆરી, ૨૦૧૬ થી રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ૭મું પગારપંચ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો વાસ્તવિક અમલ ૧ જાન્યુઆરી, ૨૦૧૯થી કરવામાં આવ્યો હતો. તેથી, પગાર પંચ મુજબ, રાજ્ય સરકારે ૨૦૧૯થી આગામી પાંચ વર્ષમાં પગાર વધારાના તફાવતની રકમ પાંચ સમાન હપ્તામાં ચૂકવવાનું નક્કી કર્યું હતું.
આ બાકી રકમ કર્મચારી ભવિષ્ય નિધિમાં જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો. પ્રોવિડન્ટ ફંડ યોજના માટે પાત્ર ન હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજના તેમજ પેન્શનધારકોને રોકડ એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર વર્ષે જુલાઈમાં એરિયર્સ ચૂકવવાનું પણ નક્કી કરાયું હતું. એમુજબ, બે વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ના એરિયર્સ ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં કોરોના મહાસાથીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તેનાથી રાજ્યના અર્થતંત્રને ભારે ફટકો પડયો. તેથી, રાજ્ય સરકારે જુલાઇ ૨૦૨૧ના એરિયર્સને મોકૂફ રાખવાનો નિર્ણય લેવો પડયો. રાજ્યની અર્થવ્યવસ્થા ધીમે ધીમે પાટા પર આવી રહી છે.
રાજ્ય સરકારે જૂનના પગારની સાથે પગારપંચના બાકી રહેલા ત્રીજા હપ્તાની ચૂકવણી કરવાનો નિર્ણય લીધો છે. આ રકમ કર્મચારી ભવિષ્ય નિધિમાં જમા કરવામાં આવશે, જે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રીય નિવૃત્તિ યોજના અથવા નિર્ધારિત યોગદાન પેન્શન યોજના લાગુ પડે છે, તેમજ નિવૃત્ત લોકોને તેમના જૂનના પગાર અને પેન્શન સાથે બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવશે. નાણા વિભાગે સોમવારે આ અંગે વિગતવાર સરકારી આદેશ જારી કર્યો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ ગેઝેટેડ ઓફિસર્સ ફેડરેશનના નેતા ગ. દિ. કુલથે અને પ્રમુખ વિનોદ દેસાઈએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500