મહારાષ્ટ્ર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ ફોન આવે ત્યારે હેલ્લોને બદલે વંદે માતરમ્ કહેવું પડશે. થોડા દિવસ પહેલાં આ મુદ્દે વિવાદ થયા પછી શિંદે-ફડણીવસ સરકારે શનિવારનાં રોજ જ સરકારી પરિપત્ર (જીઆર) બહાર પાડીને આ નિર્દેશ આપી દીધો હતો. મહારાષ્ટ્રમાં નવી એકનાથ શિંદે સરકારે કાર્યભાર સંભાળ્યો તે પછી તરત જ સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ફોન પર 'હેલ્લો' ને બદલે 'વંદેમાતરમ' કહી અભિવાદન કરે તેવો અનુરોધ કર્યો હતો.
જોકે તે વખતે વિવાદ થતાં બાદમાં મુનગંટીવારે એમ કહીને ફેરવી તોળ્યું હતું કે આ તો મારો પોતાનો વ્યક્તિગત ખ્યાલ હતો અને આ કોઈ સરકારી આદેશ નથી. આવું અભિવાદન કરવું સ્વૈચ્છિક છે અને રાજ્ય સરકારે શનિવારે અચાનક જ આ અંગેનો પરિપત્ર જારી કરી દેતાં હવે અધિકારીઓ તથા કર્મચારીઓ માટે આ સૂચનાનું પાલન અનિવાર્ય બન્યું છે. જયારે ગાંધી જયંતી નિમિત્તે વર્ધામાં યોજાયેલી રેલીને સંબોધતા મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે, વંદે માતરમ્ એટલે માતૃભૂમિને નમન કરીએ છીએ.
તેથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સત્તાવાર અથવા અંગત ફોન આવે ત્યારે હેલ્લોને બદલે વંદે માતરમ્ બોલવાનો અનુરોધ કરવામા આવ્યો છે. વંદે માતરમ્ બોલવાનું ફરજિયાત નથી, પણ દરેક ખાતાનાં વડાએ તેમના હાથ નીચેનાં કર્મચારીઓ વંદે માતરમ્ બોલતા થાય તેને ઉત્તેજન આપવું જોઈએ એવી અપેક્ષા છે. સુધીર મુનગંટીવારે તેમના ભાષણમાં કહ્યું હતું કે, હેલ્લો...માં વેસ્ટર્ન કલ્ચરનો પડઘો સંભળાય છે અને આ શબ્દનો ચોક્કસ કોઈ અર્થ પણ નથી નીકળતો. બીજું વંદે માતરમ્ બદલે જય શ્રીરામ, જય ભીમ અથવા તો પોતાના માતા-પિતાના નામ લઈને ફોનમાં જવાબ આપવામાં આવે તો વાંધો નથી. આ માટે જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવાની જરૂર છે.
વંદે માતરમ્ ઉચ્ચારણ સામે અગાઉ વિરોધ કરી ચૂકેલી કોંગ્રેસ પાર્ટીએ જય બલીરાજા અને રામ રામ કહેવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસનાં અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે, દેશના કિસાનો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા 'જય બલીરામ'નું ઉચ્ચારણ યોગ્ય છે. બાકી વંદે માતરમ્... સામે અમારો વિરોધ નથી. વંદે માતરમ્ બોલવાના નિર્દેશની ટીકા કરવાની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પ્રહાર કરતા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે, શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે તો જય મહારાષ્ટ્રનું ઉચ્ચારણ કરતા હતા. જોકે હવે આરએસએસ અને ભાજપના દબાણ નીચે શિંદેએ વંદે માતરમ્ બોલવાનો આદેશ આપ્યો લાગે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500