શહેરના જેતલપુર બ્રિજ નીચે એક સરકારી બાબુએ પીધેલી હાલતમાં ગાડી ચલાવી જતા હતા ત્યારે કોર્પોરેશન દ્વારા ખોદેલા ખાડામાં પડ્યા હતા અને સતત અડધો કલાક સુધી બેભાન હાલતમાં ગાડીમાં જ સુઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવી સરકારી બાબુની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
સયાજીગંજ જેતલપુર બ્રિજ નીચે કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ નાખવાની કામગીરી ચાલતી હોવાથી ખોદકામ કરેલું હતું અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ગઈ મોડી રાત્રે નશો કરેલી હાલતમાં એક કારચાલક પૂર ઝડપે બ્રિજ નીચેથી પસાર થવા જતા કોર્પોરેશનને ખોદેલા ખાડામાં તેની ગાડી ફસાઈ ગઈ હતી. ગાડી ફસાઈ ગયા બાદ પીધેલી હાલતમાં કારચાલક ગાડીમાં જ બેભાન અવસ્થામાં પડી રહ્યો હતો.
દારૂ પીધેલી હાલતમાં સતત અડધો પોણો કલાક સુધી ગાડીમાં પડી રહ્યો હતો. સ્થાનિક રહીશોએ પુર ઝડપે ગાડી જતી જોઈ અને અકસ્માત થતા જોતા તુરંત જ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને થોડીવારમાં પોલીસ ઘટના સ્થળે આવી હતી અને તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ઊઠી શક્યો ન હતો. પોલીસે ગાડીની તપાસ કરતા દારૂની કોઈ બોટલ મળી નહીં પરંતુ તેની ગાડીમાંથી ડેપ્યુટી મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના નામની પ્લેટ મળી આવી હતી જેથી તે સરકારી બાબુ હોવાનું જણાઈ આવ્યું હતું. થોડીવાર બાદ તેને થોડુંક ભાન આવતા પોલીસે તેને ઊંચકી લઈ જઈ પોલીસની જીપમાં પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. તેઓ પાદરા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હોવાનું પીધેલી હાલતમાં પોલીસને જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500