ડાંગ જિલ્લા બાળ સુરક્ષા એકમના સભ્ય સચિવ સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જીગ્નેશ એમ. ચૌધરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રીચિરાગ એમ. જોષીએ જણાવ્યુ છે કે, સમગ્ર રાજયમા કોરોના વાયરસના કારણે ફેલાયેલ મહામારીમા ૦ થી ૧૮ વર્ષના બાળકોની સુરક્ષા, તથા તેના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઇને રાજય સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતુ અને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી ધ્વારા લેવાયેલ નિર્ણય મુજબ, ડાંગ જિલ્લાની જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે, કોરોના વાયરસના ચેપના કારણે કોઇ બાળકના માતા અથવા પિતા અથવા બન્ને કમનસીબે મૃત્યુ પામ્યા હોય અને આવા સંજોગોમા તે બાળકને તેના કોઇ નજીકના સગા સબંધી સાર-સંભાળ રાખી શકે તેમ ન હોય, અથવા કોઇ બાળકના માતા અથવા પિતા અથવા બન્ને કોરોના વાઇરસના ચેપની સારવાર હોસ્પીટલમા લઇ રહયા હોય, અને તે બાળકને તેના કોઇ સગા સબંધી સાર-સંભાળ રાખી શકે તેમ ન હોય તો આવા સંજોગોમા સમાજ સુરક્ષા વિભાગ હેઠળની બાળ સંભાળ સંસ્થાઓમા ૦ થી ૧૮ વર્ષના બાળકોને કાળજી અને સાર સંભાળ માટે મોકલી શકાશે.
બાળકોને બાળ સુરક્ષા સંસ્થાઓમા મુકતી વખતે આટલી કાળજી રાખવી જરૂરી છે. બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમા મુકતી વખતે બાળકોનો કોરોના રીપોર્ટ નેગેટીવ હોવો જરૂરી છે. કારણ કે બાળ સંભાળ સંસ્થાઓમા રહેતા અન્ય બાળકોની સુરક્ષા પણ જરૂરી છે. બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમા મુકવા માટે ચાઇલ્ડ વેલ્ફેર કમીટી, ડાંગની મંજુરી મેળવવાની રહેશે. કાળજી અને સાર-સંભાળની જરૂરીયાતવાળુ બાળક જો ૬ થી ૧૮ વર્ષનો છોકરો હશે તો તેવા બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પી.ડબલ્યુ.ડી. કોલોની, આહવા ખાતે રાખવામાં આવશે, અને બાળક જો ૬ થી ૧૮ વર્ષની છોકરી હશે તો એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત ચિલ્ડ્રન હોમ-કન્યા, મુ.પો.ધરાસણા, નૂતન વિધાલય, તા.જિ.વલસાડ ખાતે રાખવામાં આવશે.
બાળક જો ૦ થી ૬ વર્ષનો છોકરો અથવા છોકરી હશે તો તેવા બાળકને વિશિષ્ટ દત્તક સંસ્થા સાત પીપળા આઇ.ટી.આઇ. પાછળ મુ.પો.ખુંદ તા.ચીખલી, જિ.નવસારી ખાતે રાખવામા આવશે. બાળકને જરૂરીયાત પુરતા દિવસો માટે બાળ સંભાળ સંસ્થાઓમા રાખવામાં આવશે. જરૂરીયાતના દિવસો ચાઇલ્ડ વેલ્ફેર કમીટી ડાંગ નકકી કરશે. બાળ સંભાળ સંસ્થાઓમા આવા બાળકોને જમવા, રહેવા તથા જીવન જરૂરીયાતની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક આપવામા આવશે. ખાસ ધ્યાનમા રાખવા જેવી બાબત એ છે કે બાળકોને પરિવારનો પ્રેમ અને હુફ મળવો ખુબ જ જરૂરી હોય છે. તેથી જો બાળકને તેના નજીકના કોઇ સગા સબંધી સંભાળ રાખી શકે તેમ ન હોય તો જ બાળકને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકવા અપીલ કરાઇ છે.
ઉપર જણાવ્યા મુજબનું કોઇ બાળક તમારા ધ્યાનમા આવે તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ-આહવા અથવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા સેવા સદન કંપાઉન્ડ, આહવા-ડાંગ, ફોન નં.૦૨૬૩૧-૨૨૦૬૨૯ અથવા ૦૨૬૩૧-૨૨૦૧૦૬ નો સંપર્ક કરવો અથવા ચાઇલ્ડ હેલ્પ લાઇન ટોલ ફ્રી નં.-૧૦૯૮ ઉપર સપર્ક કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500