ઓડિશાનાં જાજપુરનાં કોરાઈ રેલવે સ્ટેશન પર સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળનાં કોરાઈ સ્ટેશન પર આજે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. તેમજ ગુડ્સ ટ્રેનનાં ડબ્બા પ્લેટફોર્મ પર બનેલા વેઇટિંગ હોલ અને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન 2 મુસાફરો તેની સાથે અથડાઈ ગયા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને કારણે બે રેલ્વે લાઈનો બ્લોક થઈ ગઈ હતી.
જોકે સ્ટેશન બિલ્ડિંગને પણ નુકસાન થયું છે અને રાહત ટીમ, રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ગુડ્સ ટ્રેનનાં ડબ્બા નીચે હજુ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાને દુ:ખદ ગણાવતા ઉત્તર પૂર્વ રેલવેનાં જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, અકસ્માત પાછળનાં કારણની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. અકસ્માત બાદ અપ અને ડાઉન બંને સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે આ ઘટના આજે સવારે 6:40 વાગ્યે બની હતી. જાજપુરનાં પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, કોરેઈ સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો બલૌર-ભુવનેશ્વર ડીએમયુમાં સવાર થવા માટે રાહ જોઈ રહ્યા હતા.
ત્યારે એક ઝડપી માલગાડી અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના કેટલાક કોચ પ્લેટફોર્મ પર ચઢી ગયા હતા જેણે રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. તેમણે કહ્યું કે, અકસ્માતમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે અને એક બાળક સહિત 2 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અમને આશંકા છે કે, બોગીની નીચે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અકસ્માત સ્થળ પર હાજર રેલવેનાં અધિકારીઓએ જણાવ્યું કે, સ્ટેશન પરથી પસાર થતી વખતે માલગાડીની રફ્તાર ધીમી હોવી જોઈએ. પરંતુ પાટા પરથી ઉતરી ગયેલી માલગાડીની ગતિ તેજ હતી. એક અધિકારીએ કહ્યું કે, અકસ્માત એટલો ભયંકર હતો કે, માલગાડીનાં કેટલાક વૈગન સ્ટેશનનાં ફૂટઓવર બ્રિજ પર ચઢી ગયા હતા તેની તેને પણ ઘણું નુકશાન થયુ હતું. મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટનામાં લોકોનાં મોત પર શોક વ્યક્ત કર્યો છે, જયારે ECORએ ઘટના સ્થળે મેડિકલ ટીમ મોકલી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500