Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વૈશ્વિક બજારોનાં અહેવાલ પાછળ સોનામાં રેકોર્ડ તેજી આગળ વધતાં ઉંચા ભાવ જોવા મળ્યા

  • April 02, 2024 

અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે વૈશ્વિક બજારોના અહેવાલ પાછળ સોનામાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પણ વિક્રમ તેજીની આગેકૂચ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ફરી નવો ઈતિહાસ રચાયો હતો અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ વધી 10 ગ્રામના રૂ.71 હજારને આંબી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના 2229થી 2230 વાળા ઉંચામાં આજે 2265થી 2266ની નવી ઉંચી ટોચ બતાવી 2244થી 2245 ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનાના ભાવ વધુ રૂ.500 વધી 99.50ના રૂ.70800 તથા 99.90ના રૂ.71000 બોલાયા હતા. જ્યારે ચાંદી વધીને રૂપિયા 75500 મુકાતી હતી.


દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ જોકે ઉંચા ભાવથી ધીમા ઘટાડા વચ્ચે ઔંશના 24.94થી 24.95 ડોલર રહ્યા હતા. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ફુગાવો ધીમો પડતાં ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોનામાં ચીનની માગ પણ વધ્યાની ચર્ચા હતી. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ફરી નવો ઈતિહાસ રચાયો હતો. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.500 ઘટી રૂ.75500 રહ્યા હતા વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે 1.90 ટકા પ્લસમાં રહ્યા હતા.


જ્યારે વૈશ્વિક પ્લેટીનમના ભાવ 911થી 912 વાળા ઘટી 906થી 907 ડોલર તથા પેલેડીયમના ભાવ ઔંશના 1016થી 1017 વાળા ઘટી 1010થી 1011 ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર 99.50ના રૂ.67950 વાળા રૂ.68688 થઈ રૂ.૬૮૩૮૮ રહ્યા હતા. જ્યારે 99.90ના ભાવ રૂ.68200 વાળા રૂ.68964 થઈ રૂ.68663 રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.74600 વાળા રૂ.75400 થઈ રૂ.75111 રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઉંચા મથાળે નરમ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના 87 વાળા નીચામાં 86.58 થઈ 86.59 ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ 83.17 વાળા નીચામાં 82.80 થઈ 82.83 ડોલર રહ્યા હતા. અમેરિકામાં કદાચ જૂન મહિનામાં વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા  વિશ્વ બજારમાં ચર્ચાતી થઈ હતી. દરમિયાન, કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.83.40 રહ્યા પછી  મોડી સાંજે  ધારણામાં ભાવ રૂ.83.45 બોલાઈ રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધી 104.54 થઈ 104.50 રહ્યો હતો. બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી રૂ.105.38 રહ્યા હતા. જ્યારે યુરોના ભાવ રૂ.89.87ના મથાળે શાંત હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application