Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિફ્ટ સિટી ૧૩૦ કરોડ ભારતવાસીઓને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક આપશે : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

  • July 30, 2022 

ભારતના આર્થિક અને ટેકનિકલ સામર્થ્યમાં વિશ્વના વધતાં જતાં વિશ્વાસ માટે અત્યંત મહત્વનો દિવસ છે. ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આધુનિક ભારતની સંકલ્પના સાકાર થઈ રહી છે. ગિફ્ટ સિટીમાંઆંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટીના નવા મુખ્યમથકનો શિલાન્યાસ થઈ રહ્યો છે. સોના ચાંદીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પણ શુભારંભ થઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટર અને સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ ત્રણેયનું જોડાણ થઈ રહ્યું છે.


      

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટરનાવડામથકનું આ ભવન સ્થાપત્યની દૃષ્ટિએ તો શ્રેષ્ઠ હશે જ, પરંતુ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા માટેના અવિરત અવસર પૂરા પાડનારું મુખ્યમથક પણ બની રહેશે. આ સેન્ટર સંસ્થા ક્ષેત્રમાં સંશોધનોને સહાયરૂપ બનશે. એટલું જ નહીં, વૈશ્વિકકક્ષાએ સેવાઓ પૂરી પાડનાર સેન્ટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ગિફ્ટ સિટીમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભારતની રિજનલ ઓફિસ,ત્રણ ફોરેન બેંક, ચાર નવા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઈનાન્સિંગ સર્વિસીસ પ્લેટફોર્મના શુભારંભ તેમજ ગિફ્ટ સિટીમાં કાર્યરત પાંચ ફિન-ટેક ફોર્મ્સને ઓથોરિટી સર્ટિફિકેટ આપવાના અવસરે ૧૦૦થી વધારે બ્રોકર ડીલરને કાર્યરત કરવાના તેમજ ઇન્ડિયા આઈએનએક્સમાં ૭૫થી વધારે બોન્ડ લિસ્ટિંગ કરવાના અવસરે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ માઇલસ્ટોન સાથે આપણે અનેક મહત્વપૂર્ણ પડાવોને પાર કર્યા છે.



તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીથી ભારતના ૧૩૦ કરોડ દેશવાસીઓને આધુનિક વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક મળશે. આજે આપણો દેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, સિંગાપોર જેવા દેશોની હરોળમાં ઉભો છે, જ્યાંથી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું દિશાદર્શન અપાય છે. આ માટે તેમણે તમામ ભારતીયો તેમજ સિંગાપોરના દેશવાસીઓને પણ અભિનંદન આપતા કહ્યું હતું કે, આ પહેલથી બંને દેશો માટે સંભાવનાઓની નવી ક્ષિતિજો વિસ્તરી છે.



વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગિફ્ટ સિટીની કલ્પના કરી હતી ત્યારે માત્ર વ્યાપાર કે આર્થિક ગતિવિધિઓ પૂરતી સીમિત ન હતી. ગિફ્ટ સિટી સાથે દેશના સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ જોડાયેલી છે. ભારતના ભવિષ્યનું વિઝન અને સપના ગિફ્ટ સિટી સાથે જોડાયેલા છે. જાન્યુઆરી ૨૦૧૩માં ગિફ્ટ સિટી માત્ર ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકેની ઓળખ ધરાવતી હતી. ગિફ્ટ સિટી એ એવો વિચાર છે જે તેના સમયથી ઘણો આગળ હતો. વર્ષ ૨૦૦૮માં સમગ્ર વિશ્વ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો અને મંદીનો સમય હતો ત્યારે દુર્ભાગ્ય એ હતું કે આવી અનિશ્ચિતતાઓના માહોલમાં ભારતનું પ્રતિનિધિત્વ નબળા હાથોમાં હતું. પરંતુ,ત્યારે પણ ગુજરાત ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા અને વિશાળ પગલા ભરી રહ્યું હતું. એ વખતે આવેલા ગિફ્ટ સિટીના વિચારે આજે વાણિજ્ય અને ટેકનોલોજીમાં મજબૂત ઓળખ ઊભી કરી છે. ગિફ્ટ સિટી વેલ્થ અને વિઝ્ડમ-બુદ્ધિ અને ધનસંપદાને પ્રજવલિત કરે છે.



શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટી માત્ર વાઇબ્રન્ટ ફાઇનાન્સિયલ ટેક સિટી નહીં પણ એક સારું બિઝનેસ વાતાવરણ અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંશોધનનું વિશાળ ક્ષેત્ર પૂરું પાડનારું કેન્દ્ર બની રહેશે. આ ક્ષેત્રના વ્યવસાયિકોને શ્રેષ્ઠ જીવન માટેના નવા નવા અવસરો આપવાનું માધ્યમ બની રહેશે. અહીં શ્રેષ્ઠ બુદ્ધિપ્રતિભા ધરાવતા લોકોને નવા અભ્યાસો અને સંશોધનોની સંભાવનાઓ રહેલી છે.



શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે ગિફ્ટ સિટી ભારતના આર્થિક ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ બની રહેશે. સેંકડો વર્ષોથી ભારતના લોકો વ્યાપાર-વ્યવસાય માટે દુનિયાભરમાં પહોંચ્યા છે. દુનિયાનો એવો એક પણ દેશ નહીં હોય જ્યાં ભારતીયો નહીં પહોંચ્યા હોય. માદરે વતન વડનગરમાં હાલમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન ચાલી રહ્યું છે અને વર્ષો જૂના સિક્કાઓ અને અવશેષો મળી રહ્યા છે તેનો સંદર્ભ આપતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતુંકે, વ્યાપારિક વ્યવસ્થા અને આર્થિક સંબંધો કેટલા વ્યાપક હતા તેનું તે ઉત્તમ ઉદાહરણ છે. આઝાદી પછી આપણી ક્ષમતાઓ, વિરાસત અને તાકાત ઓછા થવા માંડ્યા. માનસિક ગુલામીએ આપણને કમજોર કર્યા અને આપણા આત્મવિશ્વાસ પર અસર પહોંચી. વ્યવસ્થા અને સંસાધનો સીમિત થઈ ગયા. પરંતુ, આપણું નૂતન ભારત આ જરીપુરાણી વિચારધારાને બદલી રહ્યું છે. આપણે વૈશ્વિક સંશોધનો સાથે જોડાઈ રહ્યા છીએ. આપણે વિકાસની વૈશ્વિક સંભાવનાઓ સાથે મહત્વપૂર્ણ જોડાણો કરી રહ્યા છીએ અને ગિફ્ટ સિટીએ વૈશ્વિક વિકાસની સંભાવનાઓ સાથે જોડાવાનું મહત્વપૂર્ણ ગેટવે છે.



ગિફ્ટ સિટી એ ભારત અને વિશ્વની ઈકોનોમીને એકીકૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે એટલું જ નહીં ભવિષ્યમાં વર્લ્ડ ઇકોનોમીના નેતૃત્વ માટે ભારતે તૈયાર થવું પડશે એમ કહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, વિકાસ નિશ્ચિત છે. આજે ગિફ્ટ સિટીમાં જે યોજનાઓ સાકાર થઈ છે એ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ભાવિ ભૂમિકાને પહોંચી વળવા સમર્થ છે.સુવર્ણ ભારતીય મહિલાઓની આર્થિક શક્તિનો મોટું અને મહત્વનું માધ્યમ છે. સુવર્ણ ભારતની સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે એમ કહીને શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારત સોના અને ચાંદીનું મોટું માર્કેટ છે પણ ભારતની ઓળખાણ માત્ર આ જ નથી. ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ એ સોના-ચાંદી ક્ષેત્રે ભારતની મહત્વના માર્કેટ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરશે. તેમણે કહ્યું હતું કે, ભારતના જ્વેલર્સને પોતાના વ્યાપાર વ્યવસાય વિસ્તારવાની નવી તકો આ માર્કેટ આપશે. એટલું જ નહીં, સોના-ચાંદીના વૈશ્વિક બજાર સાથે સીધો અને પારદર્શી વેપાર કરવાની નવી તકો પણ અહીં મળશે. ભારતના વેપારીઓ આંતરરાષ્ટ્રીય ભાવનિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. એટલું જ નહીં, સોના અને ચાંદીની આંતરરાષ્ટ્રીય કિંમતોના નિયંત્રણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકશે.



ભારતમાં અત્યારે સીધું વૈશ્વિક મૂડીરોકાણ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) રેકોર્ડ સંખ્યામાં આવી રહ્યું છે એનું કારણ છે કે, ભારતે ઉત્પાદકતા વધારી છે. ભારતની તાકાતથી આખા વિશ્વને લાભ થઈ રહ્યો છે. મૂડી રોકાણકારોને સારો નફો મળી રહ્યો છે એમ કહીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉમેર્યું હતું કે, આજે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અનેક અનિશ્ચિતતાઓને કારણે દુનિયા આશંકિત છે. એવી પરિસ્થિતિમાં ભારત દુનિયાને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત સેવાનો ભરોસો આપી શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે,‘ભારત એટલે લોકલ વેલફેર માટે ગ્લોબલ કેપિટલ અને ગ્લોબલ વેલફેર માટે લોકલ ઉત્પાદન’નો અદભુત સમન્વય છે. આજે ભારત પાસે લોકલ કનેક્ટ સાથે ગ્લોબલ ફૂટપ્રિન્ટ છે. નવી વ્યવસ્થાઓથી ભારત પાસે મોટી અપેક્ષાઓ ઊભી થઈ છે એમ કહીને તેમણે કહ્યું હતું કે મને પૂરો ભરોસો છે કે, આ અપેક્ષાઓને આપણે પહોંચી વળીશું.



વિશ્વમાં રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં ભારત ૪૦ ટકા હિસ્સેદારી ધરાવે છે. ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની આ તાકાત દુનિયાને આકર્ષી રહી છે, એમ કહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા નવા સંશોધનો થવા જોઈએ. આ માટે આપણે નવા લક્ષ્યાંકો આપણી જાત સામે મૂકવા જોઈએ. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સઓથોરિટી ફાઇનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની લેબોરેટરી બને. તેમણે કહ્યું હતું કે સફળતા અને સેવા એકબીજાના પર્યાય છે.‘જગ કલ્યાણ’થી ‘જન કલ્યાણ’ એ આપણી વિભાવના છે. ત્યારે સાતત્યપૂર્ણ વિકાસ માટે ભારતે અનેકવિધ પગલાંઓ લીધા છે. નેટ ઝીરો કાર્બન એમિશનનું લક્ષ્યાંક પૂર્ણ કર્યું છે. ગતિશક્તિ માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. આ રીતે વિકાસની અસીમ સંભાવનાઓ ઊભી કરી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો અને ગુજરાત સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ગુજરાત સરકારની નીતિઓ ગિફ્ટ સિટીના વિકાસ માટે પૂરક અને પોષક બની છે. આજના અવસરને ભારતના વિકાસની અનેક નવી સંભાવનાઓ માટેનો અવસર છે એમ તેમણે કહ્યું હતું.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આપેલી અણમોલ ભેટ છે. ગિફ્ટ સિટી ગુજરાતને ટ્રેડ, બિઝનેસ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ માટેનું ગ્લોબલ સેન્ટર બનાવશે. મેન્યુફેક્ચરિંગ, સીરામીક, ડાયમંડ અને ફાર્માસ્યુટિકલ સેક્ટર્સ માટે જાણીતું ગુજરાત હવે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ હબ બની વૈશ્વિક સ્તરે જાણીતું બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.ગીફ્ટ સિટીના વિકાસ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરત સરકાર ૭૦૦ એકરમાં ફેલાયેલા વિશાળ ગિફ્ટ સિટીને ગ્રીન, સ્માર્ટ અને હોલીસ્ટિક સીટી તરીકે વિકસાવી રહી છે. ફાયનાન્સિયલ સર્વિસીસના વિકાસ માટે ગુજરાત સરકારે તાજેતરમાં વધારાની ૭૯ એકર જમીન ઉપલબ્ધ કરાવી છે. વડાપ્રધાનશ્રીના વિઝનને ધ્યાને રાખી રાજ્ય સરકારે ગિફ્ટ સિટીની પાસે સાબરમતી નદીતટ ઉપર રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટે ગત બજેટમાં રૂ. ૩૫૫ કરોડની ફાળવણી કરી છે.તેમણે ઉમેર્યું કે, કેપિટલ માર્કેટ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સ્ટોક એક્સચેન્જ ઉપર તેમજ એરક્રાફ્ટ લિઝિંગ અને ફાઇનાન્સિંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા સરકારે સ્ટેમ્પ ડ્યુટીમા સંપૂર્ણ માફી આપી છે. પ્રધાનમંત્રીશ્રીના દિશાનિર્દેશને પરિણામે ગિફ્ટ સિટીને ટૂંક સમયમાં મેટ્રો કનેક્ટિવિટી પણ મળી જવાની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સમૃદ્ધ દરિયાઈ બંદરોના પરિણામે ગુજરાત પ્રાચીન સમયથી જ ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું આવ્યું છે. ગિફ્ટ સિટીને પરિણામે ગુજરાત, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ માટે પણ ગેટવે ઓફ ઇન્ડિયા બની રહેશે. ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થવાથી ગ્લોબલ બુલીયન પ્રાઇસ અને માર્કેટને પ્રભાવિત કરવાની ક્ષમતા પણ ભારતને મળશે.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ભારતને ગ્લોબલ ટ્રેડ કરનારું સૌથી મોટું રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ભારતને પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌ કોઈ પ્રયાસરત છે. દેશની ૫% વસ્તી ધરાવતું ગુજરાત દેશની અર્થવ્યવસ્થામાં ૮% થી વધારે યોગદાન આપે છે.મુખ્યમંત્રીશ્રીએ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, કંપનીઝ, નિયમનકારી સંસ્થાઓને ગિફ્ટ સિટીમાં આવી વ્યાપાર વાણિજ્યની ઉત્તમ તકોનો લાભ લેવા આહવાન કર્યું હતું. તેમણે વિભિન્ન ફીનટેક સંસ્થાઓ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ આપતી ઇન્સ્ટિટયૂટની ગીફ્ટ સીટીને ભેટ આપવા બદલ વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.



નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણેગુજરાતમાં ગિફ્ટ સિટીના નિર્માણને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દૂરંદેશીભર્યું પગલું ગણાવી કહ્યું હતું કે, આ પહેલથી ગુજરાતને વૈશ્વિક નકશા પર મૂકી દીધુ છે અને ગુજરાતના વિકાસને વિશ્વના અન્ય વિકસિત દેશોની સમકક્ષ લાવી દીધો છે. ગિફ્ટ સિટી ખાતે અનેકવિધ પ્રોજેક્ટના નિર્માણના પરિણામે આ પ્રકલ્પ સમગ્ર દેશ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. એટલું જ નહીં, સમગ્ર વિશ્વના આર્થિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ એક માઈલસ્ટોન બની રહેશે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે આ દિશામાં ત્રણ મહત્વના નવીન પ્રકલ્પોનો પ્રારંભ થઈ રહ્યો છે જેના પરિણામે આગામી ૨-૩ વર્ષમાં ગિફ્ટ સિટી વધુ નીખરીને બહાર આવશે. આ તકે તેમણે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રીનાસતત સમર્થન અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગિફ્ટ સિટી આજે લંડન, સિંગાપોર અને હોંગકોંગ સહિતના સમગ્ર વિશ્વમાં વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સમકક્ષ ઉભુ છે.



તેમણે ઉમેર્યું કે, નાણાકીય સહિત અન્ય ક્ષેત્રમાં આજે પ્રગતિ થઈ છે ત્યારે બેન્કિંગ સેક્ટરમાં છેલ્લાં બે વર્ષમાં કુલ સંપત્તિ બમણી થઈને ૩૨ બિલિયન યુએસ ડૉલર થઈ ગઈ છે.  ફંડ્સ (ઇક્વિટી ફંડ્સ)માં સમાન રીતે દરેક વ્યક્તિ આ અધિકારક્ષેત્ર તરફ જોઈ રહ્યા છે જેમાં રોકાણ કરી શકાય છે.  અને  છેલ્લા બે વર્ષથી ભારત સરકારના નાણા મંત્રાલયે ગિફ્ટ સિટીમાં સક્રિયપણે કામ કર્યું છે. ભારત જ્યારેઆઝાદીના ૭૫માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગામી ૨૫ વર્ષની પ્રગતિ માટેનું વિઝન નક્કી કર્યું છે.મંત્રીશ્રીએ IFSC ઝોનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કેવડાપ્રધાનશ્રી દ્વારા ત્રણ મોટા માઇલસ્ટોનનું ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં ભારતીય આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ એ એક મોટું પગલું છે. ભારત સોનાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા હોવાને કારણે આપણે બુલિયન એક્સચેન્જ સાથે વધુ સારી કિંમતની વાટાઘાટો કરી શકીશું.બીજું NSEIFSC-SGXનું જોડાણ વિશ્વમાં આર્થિક સ્તરે મહત્વનું ફ્રેમવર્ક સાબિત થશે. જે ભારત અને સિંગાપોર વચ્ચે ક્રોસ બોર્ડર જોડાણ તરીકે કામ કરશે.



કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ સ્વાગત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગિફ્ટ સિટીની પરિકલ્પના કરી હતી ત્યારે તે દિવાસ્વપ્ન જેવું લાગતું હતું પરંતુ તેમના દૃષ્ટિવંત નેતૃત્વ અને અથાક મહેનતના પરિણામે આજે આ સપનું વાસ્તવિકતામાં પરિણમ્યું છે. ભારત નાણાકીય ક્ષેત્રે લાઈસન્સ રાજની બેડીઓ તોડીને સિંગાપોર, હોંગકોંગ જેવા દેશોની હરોળમાં નાણાકીય સેવા પ્રદાન કરનાર દેશ બન્યો છે. આવનારા નજીકના દિવસોમાં જ્યારે ગિફ્ટ સિટી સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થશે ત્યારે દીર્ઘદૃષ્ટા વડાપ્રધાનશ્રી ભારતના  યુગપુરુષ તરીકે ઓળખાશે. ગિફ્ટ સિટી નાણાકીય સેવાના ક્ષેત્રમાં વિશ્વનું પ્રવેશદ્વાર બનશે, જેમાં વિશ્વભરમાંથી રોકાણકારો આવીને નાણાકીય સેવાઓ મેળવશે, જેનાથી ગિફ્ટ સિટી વૈશ્વિક બજારમાં નાણાકીય સેવાઓનું કેન્દ્ર બનશે.મંત્રી શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ નેતૃત્વમાં ગિફ્ટ-IFSC તમામ અડચણો પાર કરી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના કેન્દ્રોમાં ધ્રુવતારા સમાન માર્ગદર્શક બની રહેશે. મંત્રીશ્રી ચૌધરીએ આ પ્રસંગે ગિફ્ટ સિટીના ચેરમેન, એમડી અને સીઈઓને આ નવીન આયામો માટે અભિનંદન આપી આવનાર સમયમાં વધુ ઊંચાઈઓ સર કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રસંગે ગુજરાતના નાણા-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી શ્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આરબીઆઈના ગવર્નરશ્રી શક્તિકાંત દાસ વર્ચ્યુઅલીજ્યારે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, એન.ડી.બીના ભારતના પ્રાદેશિક કાર્યાલયના વડા શ્રી ડી.જે. પાંડીયન, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના વડા શ્રી અશોક ગૌતમ, NSE IFSCના સીઇઓ શ્રી સંદીપ મહેતા, સહિત ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વૈશ્વિક બેંકોના પ્રતિનિધિઓ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC-SGXના હોદ્દેદારો સહિતની ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ગિફ્ટ સિટીમાં ફાઇનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રના અભ્યાસક્રમો શરૂ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સૂચન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આઠ વર્ષમાં ભારતે ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ વાણિજ્ય અને આર્થિક સંગઠનો સાથે જોડાઈ રહ્યો છેત્યારે ભારતમાં બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સાક્ષરતા-શિક્ષણની વિશેષ આવશ્યકતા છે. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી ફાઇનાન્સ ક્ષેત્રના અભ્યાસક્રમો શરૂ કરે, ઇન્વેસ્ટમેન્ટનું શિક્ષણ આપી શકે એ દિશામાં વિચારવું જોઈએ.તેમણે કહ્યું હતું કે આઠ વર્ષ પહેલાં મ્યુચ્યુઅલ ફંડોમાં ભારતના રોકાણકારોનું રૂપિયા ૧૦ લાખ કરોડનું મૂડીરોકાણ હતું. જૂન ૨૦૨૨ની સ્થિતિએ આ મૂડી રોકાણમાં ૨૫૦ ટકાનો વધારો થયો છે. આજે ૩૫ લાખ કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાયા છે. નાનામાં નાનો માણસ ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે ત્યારે આપણે ભારતના નાગરિકોને મૂડીરોકાણ માટે શિક્ષિત કરવાની આવશ્યકતા છે. વધુને વધુ યુવાનોને આ માટે શિક્ષિત કરવાના પ્રયત્નો થવા જોઈએ. ગિફ્ટ સિટીમાં આવા પ્રકારના અભ્યાસક્રમો નોન પ્રોફિટ મોડ પર શરૂ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં આજે થયેલી જાહેરાતો દેશના સામર્થ્યને વધારે મજબૂત કરશે. એટલું જ નહીં આવનારા ૨૫ વર્ષમાં આઝાદીના અમૃતકાળમાં દેશની અપેક્ષાઓને પૂર્ણ કરશે.

ગિફ્ટ સિટી : ભૂતકાળ, વર્તમાન અને ભાવિઅહીં એકબીજાથીમાત્ર 30 મિનિટના અંતરે છે : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ત્રણ શહેરો-અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટીનો આ વિશિષ્ટ સમન્વય છે. અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી આ ત્રણ નગરો એકબીજાથી માત્ર 30 મિનિટના અંતરે છે. અમદાવાદ એક ગૌરવશાળી ઇતિહાસને પોતાનામાં સમાવીને બેઠું છે તો ગાંધીનગર પ્રશાસનનું કેન્દ્ર છે અને નીતિ નિર્ધારણનું મુખ્ય મથક છે. જ્યારે, ગિફ્ટ સિટી ભારતના અર્થતંત્રનું પ્રમુખ કેન્દ્ર છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એટલે કે ભૂતકાળ, વર્તમાન અને ભાવિ અહીં એકબીજાથી માત્ર 30 મિનિટના અંતરે છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગની દિશામાં શ્રેષ્ઠ પ્રયત્નો એટલે જ ગિફ્ટ સિટી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application