બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક વિચિત્ર રજૂઆત કરી હતી. જેમાં તેમણે માગણી કરી છે કે ગત વર્ષની ચૂંટણીમાં જે 182 નવા ધારાસભ્યો ચૂંટાયા, તેમના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. આથી હવે તમામની આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે. આ સાથે જ તેમણે આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી પણ માગ કરી હતી, અને જાહેરાત કરી હતી કે પોતે પોતાની આવક અને સંપત્તિ આગામી 26 ડિસેમ્બરે લોકો સમક્ષ જાહેર કરે છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારના દાનવે ફરીવાર માથું ઉચક્યું છે. ઠેર ઠેર લાંચ લેતા અધિકારીઓ તથા નકલી કચેરી, નકલી PA, નકલી ટોલનાકું જેવી ઘટનાઓ સતત સામે આવતા રાષ્ટ્રસ્તરે ગુજરાતની છબી ખરડાઇ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે મુખ્યપ્રધાન સામે એક અનોખી માગ મુકીને લોકોને ચોંકાવી દીધા છે.
પત્રમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ઉલ્લેખ કર્યો હતો કે મારી સામે પણ એસીબીની તપાસ કરાવો જેથી લોકોને ખ્યાલ આવે કે ધારાસભ્ય બન્યા પછી મારી આવક તથા સંપત્તિ કેટલા વધ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કે શા માટે આવો પત્ર લખ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ જ્યારે ધારાસભ્ય ન હતા.
ત્યારે સાંભળ્યું હતું કે ધારાસભ્યએ રોડ-પુલમાં કટકી કરી છે. ધારાસભ્યએ મિલકતો વસાવી છે..વગેરે, પરંતુ, હવે ધારાસભ્ય બન્યા બાદ ખ્યાલ આવ્યો કે અમારી પાસે કોઇ સત્તા જ નથી. બધી સત્તા આઇએએસ-આઇપીએસ અધિકારીઓની જ છે. આજે ચૂંટાઇને આવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મતવિસ્તારમાં કરેલા કામનો રિપોર્ટ મળવો જોઇએ સાથેસાથે આવકની માહિતી પણ જાહેર કરવી જોઇએ.તમામ ધારાસભ્યો અને આઇએએસ-આઇપીએસ અધિકારીઓએ પણ તેમની સંપત્તિ જાહેર કરવી જોઇએ. હું 26 ડિસેમ્બરે મારી મિલ્કત-આવકની વિગતો પોતે જ જાહેર કરીશ તેવું ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500