ફેક ફેસબુક એકઉન્ટ બની ગયું છે અને પૈસાની માગણી કરવામાં આવી રહી છે માટે કોઇ જ નાણાકીય વ્યવહાર કરવો નહીં. આવા મેસેજ દરરોજ કોઇને કોઇ ફેસબુકના એકાઉન્ટધારકના આવતા હોય છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને ફોટા મૂકીને ગઠિયાએ અલગ અલગ વ્યક્તિઓને મેસેજ કર્યા હતા. મેસેજમાં આર્મીમેનની ઓળખ આપી સસ્તામાં વસ્તુ આપવાની લાલચ લોકોને ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે સમગ્ર મામલાની જાણ સાયબર ક્રાઈમ પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન ફેસબુક એકાઉન્ટ ઝારખંડથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમ ઝારખંડ પહોંચી ગઇ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું ફેસબુક પર તેમના ફોટા અને નામ સાથે કોઈ અજાણ્યા શખ્સે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. એટલું જ નહીં, ફેક એકાઉન્ટ બનાવનાર શખ્સે અલગ અલગ વ્યક્તિને મેસેજ મોકલ્યા હતા.
જેમાં પોતાની ઓળખ આર્મીમાં હોવાનું જણાવ્યું હતું. સાથે જ કોઈ વ્યક્તિ મેસેજનો રિપ્લાય આપે તો આ શખ્સ ફર્નિચરના ફોટો મોકલીને કહેતો કે, અમારું પોસ્ટિંગ અન્ય જગ્યાએ થયેલું છે. આથી મારે ફર્નિચર વેચવાનું છે, જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમને સસ્તામાં આપી દેવાશે તેમ કહીને પૈસાની માંગણી કરી હતી.
બીજી તરફ ડમી એકાઉન્ટ અંગે શંકર ચૌધરીના સ્ટાફને પણ જાણકારી મળતા તેમણે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો અને આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમના ડીસીપી અજિત રાજીયને જણાવ્યું હતું કે, ફરિયાદ મળતા જ ટેકનિકલ એનાલિસિસ શરૂ કરી દેવાયું છે, સાથે આઈપી એડ્રેસ અને લોકેશન પણ કઢાયું છે. ફેસબુક પર જે એકાઉન્ટ બન્યું છે તે ઝારખંડથી એક્ટિવ થયું અને ઓપરેટ થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેથી પોલીસની બે ટીમોને ઝારખંડ ખાતે મોકલવામાં આવી છે, જેથી આરોપીને જલ્દીથી જલ્દી પકડી શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500