મહારાષ્ટ્રના ભંડારામાં મદદ કરવાને બહાને 35 વર્ષીય મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જયારે પીડિતા ગંભીર હાલતમાં નિર્વસ્ત્ર મળી હતી. આરોપીએ મહિલાના ગુપ્તાંગમાં ધારદાર શસ્ત્રથી ઇજા પહોંચાડી હોવાનું કહેવાય છે. રક્તપ્રસ્તાવને લીધે તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ કમકમાટીભર્યા મામલામાં બે નરાધમની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે.
આ ઘટના અંગે IPS મહિલા પોલીસ અધિકારીનાં નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી) કરશે એવો આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો હતો. આ ઘટના બાબતે મુખ્યપ્રધાને મહારાષ્ટ્રના ડીજી સાથે પણ ચર્ચા કરી હતી. મહિલાને યોગ્ય સારવાર મળી રહે એની દેખરેખ રાખવાનું પણ એકનાથ શિંદેએ કહ્યું હતું. 35 વર્ષીય રેખા (નામ બદલ્યું છે) તેના પતિથી અલગ રહેતી હતી.
તાજેતરમાં તે ગોંદિયામાં રહેતી તેની બહેનને મળવા ગઇ હતી. ગત તા.30 જુલાઇના રેખાનો તેની બહેન સાથે ઝઘડો થયો હતો આથી તે રાતે ઘર છોડીને જતી રહી હતી. ગોંદિયા જિલ્લાના ગોરેગાવ તાલુકામાં કમરગાવ ખાતે માતાની પાસે તે જઇ રહી હતી. અજાણ્યો આરોપી તેને રસ્તામાં મળ્યો હતો. તેણે ઘરે છોડી દેવાને બહાને રેખાને કારમાં બેસાડી હતી. તે પીડિતાને ગોંદિયાના મુંડીપાર જંગલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રેખા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ગત તા.31 જુલાઇના પળસગાવ જંગલમાં લઇ જઇ રેખાને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી.
ત્યારબાદ આરોપી નાસી ગયો હતો અને પીડિતા જંગલમાંથી બહાર આવીને ભંડારાના લાખની તાલુકામાં કન્હાળમોહ ગામમાં એક ઢાબા પર પહોંચી હતી ત્યા બાઇક રિપેર કરતો બીજો આરોપી તેને મળ્યો હતો. તેણે પણ રેખા સાથે ઘરે છોડી દેવા મદદ કરવાને બહાને દુષ્કૃત્ય કર્યું હતું. આરોપી તેના મિત્ર સાથે ગત તા.1 ઓગસ્ટના પીડિતાને નિર્જન સ્થળે લઇ ગયો હતો.
જ્યાં બંનેએ તેના પર વારંવાર ગેંગરેપ કર્યો હતો. તેઓ રેખાને ખેતરમાં ફેંકીને પલાયન થઇ ગયો હતો. સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી મહિલા આખી રાત લોહીલુહાણ હાલતમાં ત્યાં પડેલી હતી. દુષ્કૃત્યના લીધે તે બેભાન થઇ ગઇ હતી. બીજા દિવસે સવારે ગામના યુવકનું તેના પર ધ્યાન ગયું હતું. પછી સ્થાનિક લોકો તેની મદદે આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોપીઓએ પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં ધારદાર શસ્ત્રથી ગંભીર ઇજા પહોંચાડી હોવાની શંકા છે. તેના ગર્ભાશયમાં ઇજા થઇ હતી.
પોલીસે રેખાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તાત્કાલિક તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પણ મહિલાની તબીયત નાજુક હોવાથી બીજી સર્જરી કરવી પડશે એમ જાણવા મળ્યું છે. પોલીસે આ કેસની ઝીણવટભરી તપાસ હાથધરી બે આરોપીને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી પલાયન થઇ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500