નાગપુરમાં ગંભીર ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે હવે અહીં ગેંગરેપની કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. 11 વર્ષીય માસૂમ બાળકી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જોકે આ બનાવમાં 9 નરાધમની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આરોપીઓને તા.30 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી આપી છે. હત્યાના કેસના આરોપીની પૂછપરછ બાદ ગેંગ રેપની પોલીસને જાણ થઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાગપુરનાં ઉમરેડમાં પીડિતાના ઘરની નજીક જ મુખ્ય આરોપી રોશન રહેતો હતો.
તેમજ ગત મહિને રોશન અને ગજાનન પીડિતાનાં ઘરે ગયા હતા. પછી આરોપી રોશન તેને પોતાના ઘેર લઇ ગયો હતો. પીડિતાને ઘર કામના બદલામાં પૈસા આપવાની લાલચ તેમણે આપી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. બંનેએ આ માસૂમને પોતાની હવસનો ભોગ બનાવી હતી. આ બનાવની કોઇને જાણ ન કરવા માટે મારી નાખવાની ધમકી આપી હતી. થોડા દિવસ પછી અન્ય બે આરોપી પીડિતાને રોશનના ઘરે લઇ ગયા હતા.
જયારે તેમણે બીજા 6 સાથીદારને પણ બોલાવ્યા હતા. જ્યાં આ નરાધમોએ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું હતું. ગત તા.19 જુનથી 15 જુલાઈ વચ્ચેનાં સમયગાળામાં આ નરાધરમોએ પીડિતા પર અનેક વખત અત્યાચાર ગુજાર્યો હતો. ધમકીના કારણે પીડિતા ચુપ રહી હતી અને તેણે કોઈને આ બનાવ વિશે જણાવ્યું ન હતું. થોડા દિવસ અગાઉ શુભમ (ઉ.વ.25)ની હત્યાના મામલામાં પોલીસે રોશન અને બાદલની ધરપકડ કરી હતી.
પોલીસે રોશનની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. ત્યારે રોશને પોતે સાથીદારો સાથે બળાત્કારના અન્ય ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી આપતાં પોલીસ ચોંકી ઉઠી હતી. મોટાભાગનાં આરોપી નજીકનાં રણબોરી ગામના રહેવાસી છે. પીડિતાના માતા-પિતા આખો દિવસ મજૂરી અર્થે ઘરની બહાર રહેતા હોવાથી તેની એકલતા અને કામની જરૂરિયાતનો આરોપીએ ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો હતો. રોશને પોતે બળાત્કારનો ગુનો કબૂલી લીધો હતો.
પરંતુ પીડિતા કે તેના પરિવાર તરફથી કોઈ ફરિયાદ મળ્યાં ન હતાં. આ બનાવનો સમગ્ર તાગ મેળવવા માટે મહિલા પોલીસ કર્મચારીઓ વેશ બદલીને વસાહતમાં રહી હતી અને તેમણે વિગતો ભેગી કરી હતી. બે નહીં પરંતુ 9 લોકોએ બળાત્કાર ગુજાર્યો છે તેવું જાણવા મળ્યા બાદ તેઓ ચોંકી ઉઠી હતી. પીડિતાને હિંમત બંધાવી તેમણે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500