Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ૨૧૦ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત

  • July 02, 2022 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઈ શાહે શુક્રવારએ રૂપાલમાં વરદાયિની માતાજીના મંદિરની સન્મુખ યોજાયેલા સમારોહમાં રૂપાલ અને વાસણ ગામના તળાવોના નવીનીકરણ, કલોલ તાલુકાના બે રેલવે ઓવરબ્રિજ તથા વિશ્વ ઉમિયા ધામને જોડતા માર્ગને ફોર ટ્રેક કરવાના કામનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી અમિતભાઈ શાહે કુલ રૂપિયા ૨૧૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રૂપાલ ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે, તેનો આયોજનબદ્ધ વિકાસ થાય એ દિશામાં કામ થઈ રહ્યું છે. રૂપાલ સમગ્ર દેશ અને ગુજરાતનું મહત્વનું યાત્રાધામ બનશે. શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક જિલ્લામાં ૭૫ તળાવોના નિર્માણની હાકલ કરી છે. ગાંધીનગર જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો તો બનશે જ એ ઉપરાંત બીજા ૧૦ તળાવનું નિર્માણ પણ થશે. આમ ગાંધીનગર જિલ્લામાં કુલ ૮૫ તળાવોનું નિર્માણ થશે. તેમણે કહ્યું હતું કે રૂપાલ સુંદર ગામ બનશે. મહત્વનું પ્રવાસનધામ બનશે અને રૂપાલની પલ્લી વિશ્વપ્રસિદ્ધ બનશે એમાં કોઈ બે મત નથી.


શ્રી અમિતભાઈ શાહે ઉપસ્થિત વિશાળ જનમેદનીને રથયાત્રાની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, આજે ૧૪૫ મી રથયાત્રાના મંગલ અવસરે હું આજે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની મંગલા આરતી કરીને અત્યારે હું મારા મતવિસ્તારના લોકોના દર્શન કરવા આવ્યો છું. તેમણે કહ્યું હતું કે, એક જમાનો હતો કે રથયાત્રાના દિવસે લોકોના જીવ પડીકે બંધાઈ જતા હતા. હુલ્લડ થાય, તોફાનો થાય, કર્ફ્યુ નાખવામાં આવે એવા દિવસો આપણે જોયા છે. એવા પણ દિવસો આવ્યા હતા કે તત્કાલીન રાજ્ય સરકારોએ રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હોય. પરંતુ આજે રાજ્ય સરકારના સાથ અને સહકારથી શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સમગ્ર ભારતની જનતા પર રહે અને આપણે સૌ સુખી, સમૃદ્ધ અને નીરામય રહીએ એવી પ્રાર્થના સાથે તેમણે વરદાયિની માતાજીના ચરણોમાં પ્રણામ કર્યા હતા.


રૂપાલનું પૌરાણિક મહાત્મ્ય ધરાવતા વરદાયિની માતાજીના મંદિરનો ભારત સરકારે 'પ્રસાદ યોજના'માં સમાવેશ કર્યો છે, એમ કહીને તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં રૂપાલનો બેનમૂન વિકાસ થશે. ભારતના નકશામાં વરદાયની માતાજીનું મંદિર મહત્વનું સ્થાન લેશે. ૧૨૦ કિલો ચાંદીથી શ્રી અમિતભાઈ શાહની રજત તુલા કરવામાં આવી હતી, શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે, દાતાઓએ ૧૨૦ કિલો ચાંદીનુ જે દાન આપ્યું છે તેનાથી રૂપાલમાં આવેલા જુદા જુદા મંદિરોનો જીર્ણોદ્ધાર કરાશે.


શ્રી અમિતભાઈ શાહે રૂપાલના તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂ્ર્ત કર્યું એ તળાવનું ક્ષેત્રફળ ૫૫૭૭ ચોરસ મીટરથી વધીને ૩૧,૫૦૦ ચોરસ મીટર થશે. તળાવની આસપાસ વૉકિંગ પાથ બનશે. રમત ગમતના સાધનો પણ હશે. વ્યાયામ યોગ જેવી વ્યવસ્થાઓ પણ હશે. ગામના વડીલો બેસી શકે એવી બેઠક વ્યવસ્થા હશે. જ્યારે વાસણ તળાવનું હાલનું ક્ષેત્રફળ ચોરસ મીટર છે જે વધીને ૧૭,૧૯૨ ચોરસ મીટર થશે. આ બંને તળાવો આગામી સમયમાં પિકનિક સ્પોટ બનશે. શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે, આ તળાવ ગામનો આત્મા બનશે. આ તળાવનું કામ ખૂબ ઝડપથી પૂર્ણ થશે અને આ બંને તળાવોનું લોકાર્પણ કરવા પણ હું આવીશ.


શ્રી અમિતભાઈ શાહે પાનસર-ડીંગુચા-વડુ અને લાઘણજ રોડ તથા ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર એમ બે રેલવે ઓવરબ્રિજના કામનું પણ ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જાસપુરથી પલસાણા-કલોલ , વિશ્વ ઉમિયાધામ સંકુલને જોડતા માર્ગને ફોરલેન કરવાના કામનું પણ તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું.પાનસર-ડીંગુચા-વડુ-લાંગણજ રેલવે ઓવરબ્રિજ રૂપિયા ૫૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે અને ગાંધીનગર-વાવોલ-છત્રાલ રેલવે ઓવરબ્રીજ ૫૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ બંને કામ ૧૮ માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવાનું આયોજન છે. રૂપાલ સૌથી સ્વચ્છ ગામ બને એ માટે પ્રયત્નો કરવા તેમને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છ રૂપાલ અભિયાન અંતર્ગત રૂપાલ ગામમાં દરરોજ ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે. કેન્સર જાગૃતિ માટે પણ આ વિસ્તારમાં સારા પ્રયત્નો થઈ રહ્યા છે. ગાંધીનગર જિલ્લાનું બિલેશ્વર ગામ આદર્શ ગામ તરીકે સમગ્ર દેશમાં સૌથી પ્રથમ ક્રમે છે આ માટે તેમણે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.


ગાંધીનગર જિલ્લામાં માર્ચ- ૨૦૨૨ થી કેન્સર અભિયાન અંતર્ગત સર્વે, સ્ક્રિનિંગ અને સારવારની શરૂઆત થઈ છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કામાં કલોલ તાલુકાના ૬૦ ગામોના અને ગાંધીનગરના નવ ગામોના લોકોને આવરી લેવામાં આવ્યા છે. લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે દર્દીઓ મળી આવે છે તેને સરકાર તરફથી સારવાર પણ આપવામાં આવી રહી છે. સમયસરની સારવારથી કેન્સરના દર્દીઓનો જીવ પણ બચી શકે છે. શ્રી અમિતભાઈ શાહ આજે રૂપાલમાં આવા ત્રણ દર્દીઓને રૂબરૂ મળ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે એ માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે. તેમનણે કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લા ડેરીના સહયોગથી દર ૧૫ દિવસે સગર્ભા મહિલાઓને મગસના લાડુ આપવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં જોડાવા માટે તેમણે જિલ્લાના નાગરિકોને પણ આહવાન કર્યું હતું.


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વરદાયિની માતાજી મંદિર પરિસરમાં આવતાની સાથે જ ગ્રામજનો દ્વારા વરદાયિની માતાજીનો જયનાદ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ પરિસરમાં ગાડીમાં ઉતરતાની સાથે જ નવીનકરણ થઇ રહેલા મંદિરની સામે જોઈ દર્શન કર્યા હતા. મંદિર પરિસરના પગથિયા પાસે ગામની દીકરીઓ અને ગામના અગ્રણીઓ–ટ્રસ્ટી મંડળના સભ્યોએ કંકુ તિલક કરીને તેમને આવકાર આપ્યો હતો.


કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી વરદાયિની માતાજીના મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા અને આરતી ઉતારીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે મંદિર પરિસરની સામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામની પંચવટીમાં કદમ્બનુ વૃક્ષની વાવ્યં હતુકેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા માટે રુપિયા ૭૦ લાખના વાહનો આપવામાં આવ્યા હતા. જેમાં રૂપાલ ગામને છોટા હાથી અને નારદીપુર, શેરીસા, જાસપુર, ભીમાસણ, ભોયણ મોઠી, ઘમાસણા અને શનાવડ ગામમાં ૭ ટ્રેકટર–ટ્રોલી અર્પણ કરવામાં આવ્યા હતા. આ વાહનોને લીલીઝંડી આપીને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગામના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકોનું પ્રેમપૂર્વક અભિવાદન ઝીલ્યું હતું.


કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે રૂપિયા ૬ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન થનાર રૂપાલ ગામના તળાવનું ખાતમુર્હતુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય સ્ટેજ ખાતેથી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના રૂપિયા ૨૧૦ કરોડના ૬ વિકાસ કામોનું ઇ- ખાતમુહર્ત – લોકાપર્ણ કરાવમાં આવ્યું હતું. આ કામોમાં રૂપિયા ૯૩.૧૫ કરોડના ૩ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૧૧૭ કરોડના ૩ કામોનું ખાતમુહર્તૂ કરવામાં આવ્યું હતું. આ વિવિઘ જનસુખાકારીના વિકાસ કામોમાં કલોલ-પાનસર રસ્તા ઉપર અને ગાંધીનગર-વાવોલ- છત્રાલ રોડ પરના રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર બે રેલ્વે ઓવરબ્રીજનું ખાતમુર્હતૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧૭ લાખના ખર્ચે વિશ્વ ઉમિયાઘામ રોડને ચાર માર્ગીય કરવાના કામનું ખાતમૂર્હતૂ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગાંધીનગર ખાતે રૂપિયા ૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કર્મયોગીઓ માટેના ચંન્દ્રશેખર આઝાદ નગરના ૨૮૦ આવાસોનું અને તારાપુર ખાતે રૂપિયા ૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ છ- માર્ગીય ફલાય ઓવર અને રૂપિયા ૫૦ લાખના ખર્ચે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ સંકુલમાં નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વાસણ ગામના નવીનકરણ થનાર તળાવનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. તળાવ વિકાસ કામ અંગેની માહિતી મેળવી હતી. તેમજ ગ્રામજનોએ તેમનું ઉત્સાહપૂર્વક અભિવાદન કર્યું હતું.



કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની ૧૨૦ કિલોગ્રામ ચાંદીથી રજતતુલા કરવામાં આવી હતી. આ તમામ ચાંદી કેન્દ્રીય મંત્રીશ્રીએ વરદાયનિ માતાજીના ચરણોમાં અર્પણ કર્યું હતું. તેની સાથે ગામની વયોવૃઘ્ઘ વિવિધ સમાજની ૧૭ બહેનો દ્વારા તેમને પલ્લીનું પ્રતિક આપી આર્શીવાદ પાઠવ્યા હતા. તેમજ વિવિઘ સમાજ અને સંગઠનો દ્વારા પણ કેન્દ્રીય મંત્રીશ્રીનું ફલહાર, સ્મૃતિ ચિહૂન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application