સમગ્ર જિલ્લાનો જ્યાંથી વહિવટ થાય છે તે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સવારથી જ વીજ પુરવઠામાં ખામી સર્જાઇ હતી વારંવાર લાઇટ ચાલુ બંધ થતી હતી અને બપોરે તો વીજ પુરવઠો સદંતર ખોરવાઇ ગયો હતો જેના કારણે કલેક્ટર કચેરીની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. ગરમીના દિવસોમાં અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત અરજદારો પણ ભારે પેરશાન થઇ ગયા હતા. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં કબેલનો ફોલ્ટ સર્જાયો હતો જેના કારણે સવારથી જ કચેરીમાં લાઇટો ડૂલ થઇ ગઇ હતી.
જયારે રીપેરીંગ થવાની સાથે વીજ પુરવઠો ફરી શરૂ થયો હતો પરંતુ બપોરે ફરી પાછો વીજળીનો પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેના કારણે આ ચાર માળની કલેક્ટર કચેરીમાં તમામ એસી, પંખા, લાઇટો તથા કોમ્પ્યુટર બંધ થઇ ગઇ હતી અને અધિકારી-કર્મચારીઓ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા ઘણા કર્મચારી અને અધિકારીઓ તો વીજ પુરવઠો ખોરવાતા કચેરી છોડીને બહાર જતા રહ્યા હતો તો બીજીબાજુ અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
જનસેવામાં પણ લાઇટો ડૂલ થઇ જવાને કારણે કોમ્પ્યુટર બંધ થઇ ગયા હતા બાદમાં વીજ પુરવઠો પુનઃ શરૃ થયો હતો પરંતુ ઇન્ટરનેટની સુવિધા બંધ જ રહી હતી જેના કારણે આજે આવક-જાતિ સહિતના વિવિધ દાખલા કઢાવવા માટે તેમજ અન્ય અરજી માટે જનસેવામાં આવેલા અરજદારોને ધરમનો ધક્કો પડયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500