ગાંધીનગર નજીક આવેલા ઐતિહાસિક નગર માણસાને ઉજાગર કરાવાના આશય સાથે હેરીટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. અતુલ્ય વારસો, એસ.ડી.આર્ટ્સ એન્ડ શાહ બી.આર કોમર્સ કોલેજ, માણસા અને આનંદીમાંનો વડલોનાં સહયોગથી સમગ્ર શહેરમાં સંશોધન કરીને પુરાતન સ્થળો શોધી કરવામાં આવ્યા હતાં. માણસા શહેર વર્તમાનમાં જે આધુનિકતા સાથે વિકાસ પામી રહ્યું છે તેનાથી વિશેષ અતિ પૌરાણિક સ્મારકો, ભવનો, શિલ્પો, વાવ, મહેલ, કાષ્ટકલાનાં મકાનો ધરાવે છે. આ વૈભવી વારસો ઉજાગર કરવો અતિ જરૂરી છે. કોલેજનાં એનસીસી અને એનએસએસના વિધાર્થીઓ સાથે અતુલ્ય વારસાની ટીમે સંશોધન વોક કરી હતી. જે અંતર્ગત શહેરનાં વારસાને, હેરીટેજ સ્થળોને શોધી તેનો ઈતિહાસ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 10-10 વિદ્યાર્થીઓની ટીમ પાડવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીઓને 2-2 સ્થળની વિગતો એકત્રિત કરવાની જવાબદારી સોંપાઈ હતી.
માણસા ગામનો ઈતિહાસ, શહેરનું નામકરણ, સ્થાપત્યોની વિગતો, શહેરની પ્રસિધ્ધ બાબતો, ક્લા-સંસ્કૃતિ વગેરે આ વોક દ્વારા આ સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે. આગામી સમયમાં શહેરની પુરાતન વાવને સફાઈ કરવાનો અને જીવંત કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જેમાં માણસા નગરનાં લોકો, યુવાનો અને વિધાર્થીઓ મળી 'મારું ગામ, મારો વારસો' અભિયાન ચલાવીને શહેરનાં લોકો જેઓ બીજા શહેરોમાં, દેશમાં વસવાટ કરે છે તેઓને આપણા શહેરનો વારસો બતાવીએ અને પોતાના ગામ-શહેરનો વારસો સોશિયલ મીડિયા મારફત ઉજાગર કરીએ અને વિશ્વનાં ખૂણે ખૂણે રહેતા સૌ વતનીઓ સુધી આપણી વાત પહોચાડીએ એવો સંકલ્પ લેવામાં આવ્યો. કાર્યક્રમના અંતે સમગ્ર ટીમ આનંદીમાંના વડલે પહોંચી અને ત્યાં વિદ્યાર્થીઓ સાથે તેમના અનુભવો વિશે ચર્ચા કરવામાં આવી અને તેમને માણસાના વૈભવી વારસા વિશે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. આ વોક દરમિયાન એસ ડી આર્ટ્સ અને શાહ બી આર કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ સહિત ટીમના સભ્યો અને મહાનુભાવો તથા સ્થાનિક રહિશો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500