ગાંધીનગરનાં માણસાના વિહાર ગામના વતની અને છોટાઉદેપુર જિલ્લામાં આંગડિયા પેઢી ધરાવતા વૃદ્ધ 10 દિવસ પહેલા વિહારથી છોટાઉદેપુર તેમના પુત્રોના ત્યાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ કમાનના દરવાજાના તાળા તોડી રૂમમાં મુકેલ 3 તિજોરી તોડી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 7.95 લાખ ચોરી કરી ભાગી ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિહારના પુંજાપુરામાં ગુજરાતી શાળા સામે રહેતા રમણભાઈ પટેલ (ઉ.વ.67) તેમના પત્ની સાથે રહે છે અને તેમના બે પુત્રો બોડેલી ખાતે આંગડિયા પેઢી ધરાવતા હોવાથી તેમના પરિવાર સાથે ત્યાં સ્થાયી થયા છે. જેથી રમણભાઈ અવાર નવાર તેમના પુત્રોને ત્યાં જઇ વ્યવસાયમાં મદદ માટે આવતા જતા રહે છે. જેથી ગત તા.23 ઓક્ટોબરે રમણભાઈ અને તેમના પત્ની વિહાર ગામે મકાનને તાળું મારી પુત્રોને ત્યાં બોડેલી ગયા હતા. તે સમયે બંધ મકાનમાં ચોરી કરવાના ઇરાદે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરના બીજા રૂમમાં મૂકેલી લોખંડની ત્રણ તિજોરી તોડી સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો તેમજ તિજોરીમાં મુકેલા 5.95 લાખના સોના ચાંદીના ઘરેણા તેમજ 2 લાખની રોકડ રકમ લઇ ભાગી છૂટયા હતા.
જોકે, બંધ મકાનના દરવાજાનું તાળું તુટેલું જોઈ તેમના પડોશીએ બોડેલી રહેતા રમણભાઈને ફોન કરી ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાની જાણ કરતાં રમણભાઈ તથા તેમના બંને પુત્રો વિહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમણે ઘરમાં તપાસ કરતા ત્રણે તિજોરી તૂટેલી હતી અને ઘરનો સામાન પણ વેરવિખેર હોવાથી અને તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગાયબ હોવાથી ચોરી થઇ હોવાનું જણાતા માણસા પોલીસને જાણ કરી ભાગી છુટેલા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500