ગાંધીનગરનાં માણસા તાલુકાના પારસા ગામ પાસે માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા હતા. ગોજારિયા હાઈવે પર ખરણા અને પારસા વચ્ચે કારની ટક્કરે બાઈક પર જતો યુવક અને બે મહિલાઓ રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ બે મહિલાઓના સારવાર દરમિયાન મોત થયા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત બાઇક ચાલકે અકસ્માત બાદ ભાગી ગયેલા કાર ચાલક વિરૂદ્ધ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પારસા ગામે રામાપીરના વાસમાં રહેતા મુકેશજી મંગાજી ઠાકોર (ઉ.વ.30) જે સોમવારની સાંજે સાસરી જવા નીકળ્યા હતા અને સાથે તેમની પત્ની ઉષાબેન અને તેમના ભાભી સીતાબેનને બાઈક પર બેસાડીને માણસા આવ્યા હતા. સાસરીમાં બધાને મળી રાત્રે પરત તેમના ઘરે જવા નીકળ્યા હતા તે સમયે ગોજારીયા હાઈવે પર ખરણા અને પારસા ગામ પાસે કારના ચાલકે બાઈકને સામેથી ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય રોડ પર પટકાયા હતા અને ત્રણેયને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા દોડી આવેલા લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં બાઈક ચાલક મુકેશજી તથા તેમના પત્નીને મહેસાણા અને તેમના ભાભી સીતાબેનને માણસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
જોકે ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન ઉષાબેન મુકેશજી ઠાકોર અને સીતાબેન અશોકજી ઠાકોરનું મોત થયું હતું. જ્યારે મુકેશજીને પગ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર ચાલુ છે. જયારે અકસ્માત સર્જી કાર મુકીને ફરાર થઈ ગયેલા ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500