ગાંધીનગરના સોનીપુર-કોલવડા રોડ પરથી એલસીબી ટીમે અમૂલ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ 7668 બાટલીઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, ટેન્કર ચાલક ભાગી છૂટ્યો હતો. આમ, પોલીસે દારૂના જથ્થો તેમજ બે વાહનો મળી કુલ રૂપિયા 15.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગતરોજ પેથાપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, સોનીપુર-કોલવડા રોડ પરથી અમૂલ દૂધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ તરફ રવાના થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળું ટેન્કર આવતા પોલીસે ટેન્કરને રોકી તેમાં તપાસ કરતાં અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 7668 બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, ટેન્કરનો ચાલક પોલીસની નજર ચૂકવી ભાગી જવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ અમૂલ દૂધના ટેન્કરમાં ભરેલ વિદેશી દારૂના જથ્થાને સહી સલામત રીતે અમદાવાદ પહોંચાડવા માટે પાયલોટિંગ કરતી અર્ટિગા કાર સાથે ડ્રાઇવર કલ્પેશ ધીરુભાઈ વાઘેલા (રહે.હંસ પ્રતાપ સોસાયટી,નવી સિવિલ હોસ્પિટલ પાછળ,શાહીબાગ)નાને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછ કરતા અમદાવાદના સોનું સિંધીએ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. આમ, પોલીસે વિદેશી દારૂની બાટલીઓનો જથ્થો, અમૂલનું ટેન્કર અને કાર મળીને કુલ રૂપિયા 15,5,948/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500