ગેસ-એસિડીટીથી છૂટકારો મેળવવા માટે ઈનો પીનારા લોકો નકલી ઈનો પેટમાં પધરાવી રહ્યા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દહેગામ પાસેના ઝાંકમાં નકલી ઈનો બનાવતી આખે આખી ફેક્ટરી પકડાઈ છે. જોકે દિલ્હી સ્થિત કંપનીના કર્મચારીએ આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને અરજી કરી હતી અને બાદમાં સીઆઈડી ક્રાઈમને સાથે રાખીને ઝાંક જીઆઈડીસીમાં આવેલ સુપ્રીમ-1 પ્લોન નં-27 ખાતે આવેલ ફેક્ટરીમાં જીએસકે (ઈનો)ના કોપીરાઈટ હકનો ભંગ થયો હોવાનું જણાયું હતું. તપાસમાં કંપનીમાંથી ગેરકાયદે ઈનોના પાઉચ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ મામલે પોલીસે કંપનીના માલિક તેમજ કર્મચારી સામે કોપીરાઈટ એક્ટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દહેગામ પંથકમાં નકલી ઈનો બનાવતી ફેક્ટરી પકડાતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને આ મામલો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિરાગ નરેશભાઈ પંચાલ, નેત્રીકા કન્સલ્ટિંગ એન્ડ ઈન્વેસ્ટિગેશન નામની કંપનીમાં પાંચ વર્ષથી ફરજ બજાવે છે.
જેઓની કામગીરી અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીઓના કોપીરાઈટ તથા ટ્રેડમાર્કના હક્કોના રક્ષણ માટે ફરિયાદ કરવા માટે કામગીરી કરે છે. જેમની ઓફિસ નવી દિલ્હી ખાતે આવેલી છે અને જેમને ગ્લેક્ષો ગ્રૃપ લિમિટેડ કંપનીના જીએસકે (ઈનો)ના કોપીરાઈટ હકોની ઓથોરિટ મળી છે. જેમાં કંપનીના અધિકારીને માલૂમ પડયું હતું કે, દહેગામ પાસે આવેલ ઝાંકમાં કોઈ કંપની ગેરકાયદે જીએસકે (ઈનો) બનાવી રહી છે. બાદમાં તેમને ગાંધીનગર ક્રાઈમમાં અરજી આપી તપાસની માંગણી કરી હતી.
તે દરમિયાન ગાંધીનગરનાં દહેગામ પોસ્ટ વિસ્તારના ઝાંક વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં સુપ્રીમ-1 પ્લોટ નંબર-27 ખાતે આવેલ ફેક્ટરીમાં ઉપરોક્ત કંપનીના જીએસકે (ઈનો)ના કોપીરાઈટ હક્કોના ભંગ થતા હોય ગેરકાયદેસર રીકે વેપાર ચાલતો હતો અને બાતમીના આધારે પોલીસ તેમજ કંપનીના માણસોએ તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ કરતાં સ્થળ ઉપર હાજરનું નામ પૂછતાં પોતાનું નામ પ્રેમનારાયણ ઉર્ફે રાજ દિલ બહાદુર શ્રેષ્ઠ (રહે.કલોલ) હોવાનું માલૂમ પડયું હતું.
કંપનીના માલિક વિશે પૂછતાં માલિકનું નામ મિનેષ શાહ (રહે.અમદાવાદ) હોવાનું માલૂમ પડયું હતું. પોલીસની હાજરીમાં માલિકને ફોન કરવા છતાં પણ માલિક ફોન ઉપાડતો ન હોવાનું કર્મચારીએ જણાવ્યું હતુ અને સદર ફેક્ટરી આહુજા કિશન ગુરૃબક્ષનાઓ પાસેથી ભાડે રાખેલ હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત ફેક્ટરીમાં ગ્લેક્ષો ગ્રૃપ લિમિટેડ કંપનીના જીએસકે (ઈનો)ના ઉત્પાદન તેમજ વેચાણ બાબતે કંપની તરફથી કોઈ ઓથોરિટી મળી ન હોવાનું જણાયું હતું.
તેની પાસે બિલ પણ નહોતું અને પંચોને સાથે રાખી ચેક કરતાં કંપનીનામાંથી રૂપિયા 45,73,748/- લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. કંપનીનુ ગોડાઉન ઝાક જીઆઈડીસી ફેક્ટરીની બાજુમાં હોવાનું પણ માલૂમ પડયું હતું. જેમાંથી પણ બનાવટી પેકિંગના પાઉચનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કોપી રાઈટ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500