ગાંધીનગરની કલેક્ટર કચેરીનાં આધાર કેન્દ્રમાં ગુજરાત સામાજિક આંતર માળખાકીય સોસાયટીની ટીમે આકસ્મિક ચેકીંગ હાથ ધરતા સક્ષમ અધિકારીની ખોટી સહી સિક્કા વાળા કોરા ફોર્મ થકી અરજદારોનાં આધારકાર્ડ કાઢવાની પેરવી કરનાર સુપરવાઇઝર સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે વહીવટી શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર પ્રશાંતસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, અત્રેની ઓફિસમાં આધારકાર્ડ નોંધણી સહિતનું કામકાજ ખાનગી એજન્સી મારફતે કરવામાં આવી રહ્યું છે. જેમાં ગત તા.19 મી એપ્રિલના રોજ ગુજરાત સામાજિક આંતર માળખાકીય સોસાયટીની ટીમે આધાર કેન્દ્રમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.
જેથી ઓપરેટર પાસેથી નોંધણીનાં ફોર્મમાં સહી સિક્કા કરેલ કુલ-7 ફોર્મ કોરા મળી આવ્યા હતા. જે ફોર્મ શંકાસ્પદ જણાઈ આવતાં ગેરરીતિ થતી હોવાની તપાસ કરવાં રિપૉર્ટ કરવામાં આવ્યો હતો. આથી સંબંધિત અધિકારીઓ દ્વારા ફોર્મમાં કરવામાં આવેલા સહી સિક્કાની ચકાસણી કરવામાં આવતાં પાંચ ફોર્મમાં ખોટા સહી સિક્કા મારવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આકસ્મિક ચેકીંગ દરમ્યાન સુપરવાઇઝર ધ્રુપેન હસમુખભાઈ પટેલ આધાર કેન્દ્રમાં હાજર હતો અને નોંધણી કરનાર ઓપરેટર વીરેન અરવિંદભાઈ રાઠોડ અને જગદીશ ઉકાભાઈ બાવરી પાસેથી 7 ફોર્મ મળી આવ્યા હતા. જેમાં અલગ અલગ 7 ફોર્મ પૈકી બે ફોર્મમાં સર્ટીફાયર તરીકે કલેક્ટરના પીઆરઓ જેનીલ શાહનાં સિક્કા મરેલા હતા.
જ્યારે ત્રીજા ફોર્મમાં કલેકટર કચેરી ડીસ્ટ્રીક્ટ પ્લાન ઓફિસર એન જી પટેલ, જિલ્લા આયોજન અધિકારીનો સહી સિક્કા મારેલા હતા. ચોથા ફોર્મમાં એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, મામલતદાર એમ.બી.કડિયાનો સિક્કો તથા સહી હતી. જ્યારે પાંચમા ફોર્મમાં સર્ટીફાયર તરીકે એન.જી.પટેલ, ડીપીઓ, કલેકટર કચેરી ગાંધીનગરનાં સહી સિક્કા માર્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ, ઉક્ત તપાસનાં અર્થે સેકટર-7 પોલીસ મથકમાં સુપરવાઇઝર ધ્રુપેન હસમુખભાઈ પટેલ, ઓપરેટર વીરેન અરવિંદભાઈ રાઠોડ અને જગદીશ ઉકાભાઈ બાવરી વિરુદ્ધમાં IPCની કલમ 466, 468, 471 અને 484 હેઠળ ગુનો નોંધી પીએસઆઇ ડી.એન.પરમારે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500