Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીવન ટુંકાવાની છેલ્લી ઘડીએ યુવકે જીવન આસ્થા હેલ્પલાઇનમાં ફોન કર્યો

  • October 16, 2021 

ગાંધીનગરની અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલથી ગત તા.13મી તારીખે બપોરના સમયે જીવન આસ્થાના હેલ્પલાઇન નંબર પર એક યુવકનો કોલ આવ્યો હતો અને કોલ કરનાર યુવક તેનું નામ વિજય (નામ બદલેલ છે) જણાવે છે. તે યુવકનો ફોન કાઉન્સીલર રીસીવ કરે છે. જોકે, યુવકનું પ્રથમ વાક્ય સાંભળીને જ કાઉન્સીલર ચોંકી ઉઠે છે અને સ્થિતિની ગંભીરતાને પારખી લે છે, વિજય તેને જણાવે છે તે અડાલજ પાસે નર્મદા કેનાલ પર આત્મહત્યા કરવા માટે આવ્યો છે અને સુસાઇડ નોટ તેમજ પર્સ સહિતના દસ્તાવેજો કેનાલ પાસે મુકીને આત્મહત્યા કરવા માટે કેનાલની પાળી ઉતરી રહ્યો હતો. તે સમયે તેણે ત્યાં લાગેલુ જીવન આસ્થા હેલ્પલાઇનનું બોર્ડ જોયું હતું. જેમાં લખ્યું હતું કે, આત્મહત્યા એ જીવનનો છેલ્લો ઉકેલ નથી. જીવન બહુમુલ્ય છે. આ સાથે હેલ્પલાઇનનો 1800 233 3330 લખેલો હતો. જેથી જીવન ટુંકાવાની છેલ્લી ઘડીએ તેણે કોલ કરવાનો વિચાર કર્યો અને હેલ્પલાઇન પર કોલ કર્યો હતો.

 

 

 

 

 

આમ, કેનાલ પાસેથી જ કોલ આવતા કાઉન્સીલરે રાહુલ સાથે વાત ચાલુ રાખીને તાત્કાલિક અડાલજ પોલીસને જાણ કરીને પીસીઆર વાન ત્યાં મોકલવા માટે સુચના આપી હતી. કારણ કે છેલ્લી ઘડીએ પણ તે કુદી શકે છે. ત્યારબાદ તેની થોડી મુશ્કેલી સાંભળીને વાતોમાં રાખવામાં આવ્યો હતો અને પોલીસ તેને કેનાલ પરથી જીવન આસ્થાની ઓફિસે ગાંધીનગર સેક્ટર-27 ખાતે લઇ આવી હતી. જ્યાં તેણે સિનિયર કાઉન્સીલરને તેની મુશ્કેલી જણાવી હતી કે, બે વર્ષ પહેલા તેણે તેના એક પાર્ટનર સાથે મહારાષ્ટ્રથી ડુંગળી લાવીને અમદાવાદમાં વેપાર શરુ કર્યો હતો. જેમાં બંને ભાગીદારો અલગ-અલગ સમયે ટ્રકમાં ડુંગળી લેવા માટે જતા હતા. જોકે, રસ્તામાં અકસ્માત થવાની શક્યતાને જોતા બંનેએ એક બીજાનો રુપિયા 50 લાખનો ટર્મ પ્લાન લીધો હતો. જેનું પ્રિમિયમ વિજયે ભર્યું હતું. પ્લાન લેવાનો હેતુ એ હતો જો કોઇ પાર્ટનરને અકસ્માત થાય કે અઘટિત ઘટના બને તો તે વીમાની રકમથી ધંધાની સંભવિત ખોટને સરભર કરી શકાય અને પરિવારની પણ સુરક્ષા રહે. કમનસીબે વીમો લીધાના થોડા મહિના બાદ પાર્ટનરનું માર્ગ અકસ્માતમાં અવસાન થયુ હતું. જેથી વિજયના પાર્ટનરના પત્નીને ટર્મ પ્લાનની સમગ્ર વાત જણાવીને કહ્યું હતું કે, વીમાની રકમના 25 થી 30 લાખ રૂપિયા તેમની પત્ની રાખે અને બાકીના 20 લાખ રૂપિયાથી વિજય ધંધામાં બાકી રકમ ચુકવી દેશે. જેથી ધંધામાં સંભવિત ખોટ ન આવે. આ વાતને લઇને મૃતક પાર્ટનરના પત્ની નાણાં આપી દેવાની સંમતિ આપી દીધી હતી.

 

 

 

 

 

પરંતુ, પતિના મોતથી આઘાતમાં સરી પડેલી પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. તો બીજી તરફ પાર્ટનરના સગાઓએ રાહુલને વીમાની રકમમાંથી એકપણ રૂપિયો આપવાની ના પાડતા રૂપિયા 20 લાખ જેટલી રકમની જવાબદારી રાહુલ પર આવી ગઇ હતી. આ નાણાંની રકમ એવી વધારે હતી કે, તે તેની મહિનાની આવક માત્ર વ્યાજમાં જ ચુકવતો હતો. તો વ્યાજની રકમ ચુકવવા માટે તેણે ભુલ કરી કે અન્ય લોન લીધી હતી. આમ, એક દેવુ ચુકવવા બીજુ દેવું કર્યું અને સ્થિતિ એ આવી ગઇ કે તે તેના પરિવારના દાગીના વેચી પણ ચુકવી શકે તેમ નહોતો અને પરિવારનું ગુજરાન પણ કેમ ચલાવવું તે પ્રશ્ન હતો. તો બીજી તરફ વેપાર પણ બંધ થતા તેણે એક જાણીતી ઓટો કંપનીમાં નોકરી પણ શરૂ કરી. જોકે, મુશ્કેલી સતત વધતા તેને આત્મહત્યા સિવાયનો અન્ય કોઇ વિકલ્પ ન મળતા કેનાલમાં કુદવાનું નક્કી કર્યું હતું. 

 

 

 

 

 

આમ, સમગ્ર હકીકત જાણીને તેને સમજાવવામાં આવ્યો હતો કે, આ જીવનનો અંત લાવવાથી તેની મુશ્કેલી ઓછી નહી થાય કારણ કે તેના પરિવારજનો પણ પરેશાન થશે. તો વેપાર ધંધાની ખોટને મહેનત કરીને સરભર કરી શકાશે. પણ જીંદગી નહી હોય તો એ પણ શક્ય નહી બને. ત્યારબાદ તેના પ્રશ્નોના શક્ય ઉકેલ અંગે માર્ગદર્શન મળતા વિજયે સ્વસ્થ થયો અને તેણે ખાતરી આપી હતી કે, હવે આત્મહત્યા નહી કરે પણ જીવનની આ મુશ્કેલી સામે લડીને પણ જીતશે આમ વિજયનું કાઉન્સીલીંગ લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application