ગાંધીનગરનાં ઉવરસદ રેલવે ફાટકથી ત્રિમંદિર તરફ જવાના નાળિયામાં દુધના વાહનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીનાં આધારે અડાલજ પોલીસે સ્થળ ઉપર પહોંચીને કન્ટેનરમાંથી વિદેશી દારૂની 2 હજાર જેટલી બોટલ કબ્જે કરી દીધી હતી. જોકે રૂપિયા 10.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે અને બુટલેગરો પણ પોલીસને થાપ આપવા માટે નવા-નવા કિમીયા અપનાવી રહ્યા છે. જયારે ટ્રકમાં માલ સામાનની આડમાં દારૂ લઇ જવામાં આવી રહ્યો છે ત્યારે હવે દુધના વાહનનો પણ દારૂની હેરાફેરી માટે ઉપયોગ શરૂ થયો છે. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉવારસદ રેલવે ફાટકથી ત્રિમંદિર તરફ જવાના નાળિયામાં એક દૂધનું વાહન પડયું છે જેમાં વિદેશી દારૂનો જથ્થો છે.
જે બાતમીને પગલે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ ચાલક મળી આવ્યો ન હતો. પોલીસે આ કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની 6.68 લાખની 2016 બોટલ મળી આવી હતી જેના પગલે પોલીસે કન્ટેનર અને દારૂ મળી 10.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500