ગાંધીનગરના માણસા તાલુકાના એક ગામની સગીરાને ગોજારીયા ગામે રહેતો તેનો પ્રેમી યુવક સવારે માણસા શહેરમાં આવેલ એક શાળાના દરવાજા પાસેથી લલચાવી ફોસલાવી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને આ સમગ્ર બાબતે સગીરાના માતા-પિતા જ્યારે શાળામાં ગેરહાજર પુત્રીની શોધખોળ કરવા માટે સ્કૂલમાં ગયા ત્યારે જ યુવક સગીરાને બાઇક લઇને મુકવા આવતા ભાંડો ફૂટયો હતો. જે બાબતે સગીરા પર દુષ્કર્મ ગુજારી ભાગી છૂટનાર યુવક વિરુદ્ધ સગીરાની માતાએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માણસા તાલુકાના એક ગામમા રહેતા અને પશુપાલન તેમજ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની સગીર વયની પુત્રીને પડોશમાં રહેતા યુવક સાથે પરિચય બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના થોડા સમય પછી યુવકનો પરિવાર મહેસાણા જિલ્લાના ગોજારીયા ખાતે રહેવા ગયો હતો જયારે બીજી બાજુ સગીરા માણસા ખાતે આવેલી એક સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ માટે આવતી હતી જેમાં ગતરોજ સવારે નિત્યક્રમ મુજબ આ સગીરા પોતાના ઘરેથી નીકળી માણસા શાળા પાસે પહોંચી હતી.
ત્યારે અગાઉથી નક્કી કર્યા મુજબ ગોજારીયા ખાતે રહેતો તેનો પ્રેમી શાળાના દરવાજા પાસે તેને મળી ગયો હતો અને આ વિદ્યાર્થીનીને તેના બાઈક પર બેસાડી હાઇવે પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ત્યાં યુવકે સગીરાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી બાજુ શાળામાં આચાર્યએ સગીરાના માતા-પિતાને વિદ્યાર્થીની શાળામાં ગેરહાજર હોવા અંગેની જાણ કરતા સગીરાના માતા-પિતા તથા તેમના સંબંધી માણસા ખાતે આવી શાળામાં દરવાજે ઉભા હતા. તે વખતે તેમની પુત્રીને મુકવા માટે યુવક બાઇક લઇને પહોંચ્યો હતો. જેથી તેને રોકવાનો પ્રયત્ન કરતા તે ત્યાંથી ભાગી છૂટયો હતો ત્યારબાદ સગીરાના માતા-પિતાએ સગીરાને આ બાબતે પૂછપરછ કરતા તેણે તેની સાથે યુવકે દુષ્કર્મ કર્યું હતું તેવું જણાવતા તેની માતાએ લલચાવી ફોસલાવી દુષ્કર્મ ગુજારી ભાગી છુટનાર ગોજારીયાનો યુવક વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500