ગાંધીનગર સહિત મહેસાણા, અમદાવાદ અને ખેડા જિલ્લામાં રાત્રિના સમયે બંધ દુકાનો તેમજ કારખાનામાંથી ઈલેક્ટ્રીક સામાન ચોરી લેતા પિતા પુત્રને ગાંધીનગર એલ.સી.બી. ટુની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી રૂપિયા ૧૦.૪૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો થતા જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે પોલીસને તાકીદ કરવામાં આવી હતી.
જેના અનુસંધાને ગાંધીનગર એલ.સી.બી. ટુ પી.આઇ. પરમાર દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ રહીને આ દિશામાં કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબીના પી.એસ.આઇ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, એક ડાલામાં ઈલેક્ટ્રીક સામાન સાથે બે વ્યક્તિઓ લવારપુર બ્રિજ નીચે થઈને અમદાવાદ તરફ જવાના છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ અહીં પહોંચી હતી અને આ ડાલાને ઝડપી લીધું હતું. જેમાં સવાર વ્યક્તિઓની પૂછપરછ કરતા તે આણંદના આસોદરા ખાતે આધારશીલા સોસાયટી ખાતે રહેતા સંજય ઉર્ફે સુધીર ઉર્ફે સંદીપ ઉર્ફે નિખિલ ઉર્ફે પિન્ટુ ઉર્ફે રૂડો રામાભાઇ લુહાર તેમજ તેના પિતા રામાભાઇ ઉર્ફે રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ કરસનદાસ લુહાર હોવાનું બહાર આવ્યું હતું.
જે ડાલામાંથી ઈલેક્ટ્રીક સામાન તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. આ સામાન સંદર્ભે પૂછપરછ કરતાં તેમણે ગાંધીનગર જિલ્લાના ડભોડા, મહેસાણા જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન, અમદાવાદના બાવળા પોલીસ સ્ટેશન અને ખેડાના મહેમદાબાદ વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરી હોવાની બહાર આવી હતી. જેથી પોલીસે ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ઉપરાંત આરોપીઓ દ્વારા અગાઉ ૩૦ જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા હતા અને તેમાં પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ વર્ષની સજા પૂરી કરીને જેલ બહાર આવ્યા બાદ ફરીથી ચોરી શરૃ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500