ગાંધીનગરમાં સરકારની વિવિધ કચેરીઓ આવેલી છે ત્યારે અહીં અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી લોકોને સરકારી નોકરી અપાવવા માટે લાખો રૂપિયા પડાવતા ગઠિયાઓની કમી નથી ત્યારે આ વખતે નવા સચિવાલય ખાતે ઝેરોક્ષ સેન્ટર ચલાવતા શખ્સ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા અમિત મહેન્દ્રભાઈ ભાવસાર ઝેરોક્ષ મશીન રીપેર કરતી કંપનીમાં કામ કરે છે અને તેમનો સંપર્ક ગાંધીનગરના સેક્ટર-11માં આવેલી ઝેરોક્ષની દુકાનમાં ઓપરેટર તરીકે કામ કરતા શૈલેષ ભીખાભાઈ ઠાકોર (રહે.સેક્ટર 5, પ્લોટ નંબર 819/2 સાથે થયો હતો. તે દરમિયાન શૈલેષ દ્વારા ગાંધીનગરના નવા સચિવાલયમાં ઝેરોક્ષ ચલાવવાનો કોન્ટ્રાક્ટ મેળવી લેવામાં આવ્યો હતો અને ત્યાં પણ અમિતભાઈ મશીન રીપેર કરવા માટે જતા હતા.
આ દરમિયાન એક દિવસ શૈલેષ અમિતભાઈને ફોન કરીને બોલાવ્યા હતા અને GPSC વર્ગ-3ની ચાર જેટલી જગ્યા ખાલી હોવાથી કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો પાંચ લાખ રૂપિયામાં કામ કરી આપવાની વાત કરી હતી. જોકે અમિતભાઈએ આ વાતમાં રસ દાખવ્યો ન હતો પરંતુ અમદાવાદમાં એક દુકાનમાં ઝેરોક્ષ રીપેર કરવા જતા તેના માલિક સાથે આ બાબતે વાત થતા તેમણે સરકારી નોકરી મેળવવાની તૈયારી દર્શાવી હતી અને ત્યારબાદ શૈલેષ સાથે સંપર્ક કરાવતા એક પછી એક એમ 27 લોકો પાસેથી સરકારી નોકરી માટે 2થી 5 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી લીધી હતી. પરંતુ શૈલેષ દ્વારા નોકરી માટેના કોલ લેટર આપવામાં આવતા ન હતા. જેના પગલે અવારનવાર આ લોકો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી.
પરંતુ નોકરીનો લેટર કે રૂપિયા પરત નહીં મળતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને આ મામલે અમિત ભાવસાર દ્વારા ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં શૈલેષ ઠાકોર સામે ફરિયાદ આપવામાં આવતા પોલીસે રૂપિયા 1.48 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જે કૌભાંડ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા સચિવાલયમાં ઝેરોક્ષ સેન્ટર ચલાવતા શૈલેષ ઠાકોર દ્વારા સરકારી નોકરી ઈચ્છુક વ્યક્તિઓને એવી બાંહેધરી આપવામાં આવતી હતી કે, પહેલા તમે દોઢ લાખ રૂપિયા આપો અને ત્યારબાદ નોકરીનો લેટર આવી જાય ત્યાર પછીના 3.50 લાખ રૂપિયા ચૂકવી દેજો. જેના પગલે લોકો તેની ઉપર વિશ્વાસમાં આવી ગયા હતા અને નોકરી મેળવવા માટે લાખો રૂપિયા ચૂકવી દીધા હતા. ત્યારે નોકરી નહીં મળતા લોકોને છેતરાયાનો અહેસાસ થયો છે અને આખરે મામલે પોલીસ મથકમાં પહોંચી ચૂક્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500