Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સાસરિયા પક્ષનાં ચાર જણા સામે ગુનો દાખલ

  • May 23, 2022 

ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજ ગામમાં રહેતી પરણીત મહિલાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પિતાની ફરિયાદનાં આધારે પેથાપુર પોલીસે પતિ અને સાસુ-સસરા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત એવી છે કે, છ વર્ષનાં લગ્ન જીવન દરમિયાન પરિણીત મહિલાને દહેજ મામલે શારીરિક-માનસિક ત્રાસ મળતો હોવાની ફરિયાદ થવા પામી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર શહેર નજીક પોર ગામમાં રહેતા ગાડાજી બાબાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની 27 વર્ષીય પુત્રી પિંકલના લગ્ન છ વર્ષ અગાઉ મોટી આદરજ ગામે રહેતા રાયસંગજી ઠાકોરના દિકરા ગોવિંદજી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. શરૂઆતમાં તેમનું લગ્નજીવન સુખેથી ચાલતું હતું અને પિંકલે ત્રણ વર્ષ અગાઉ એક પુત્રને પણ જન્મ આપ્યો હતો.



જોકે સાસુ કલિબેન દ્વારા અવાર-નવાર તેને કામ બાબતે મેણા ટોણા મારવામાં આવતા હતા. તો પાડોશમાં જ રહેતા કાકીસાસુ સજનબેન પ્રહલાદજી ઠાકોર દ્વારા પણ તેણીને નાની નાની બાબતમાં ઠપકો આપવામાં આવતો હતો. તો તેણીના પતિ ગોવિંદજી પણ નાની વાતમાં તકરાર કરી મારતા મારતા હતા. સસરા દ્વારા દીકરીને પિયરમાંથી તેના પતિ માટે કંઈક વસ્તુઓ લઈ આવવા પણ દબાણ કરવામાં આવતું હતું.



જેના કારણે તે છ વખત પિયરમાં પણ આવી ગઈ હતી. ત્યારે ત્રણ દિવસ અગાઉ પણ પિંકલે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, હવે આ લોકોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અને મારાથી સહન થતું નથી જેથી હું આપઘાત કરી લઈશ. જોકે તેને સમજાવવામાં આવી હતી. પરંતુ પતિ સહિતના સાસરીયાઓના ત્રાસથી કંટાળીને મહિલાએ તેના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે મથામણ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application