બિહારનાં વૈશાલી જિલ્લામાં રવિવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થઈ ગયા હતા. કેટલાક લોકો ગામમાં જ પૂજા કરવા જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટના વૈશાલીનાં દેશરી પોલીસ સ્ટેશન વિસ્તારના નયાગંજ-28 ટોલામાં બની હતી. જોકે આ ઘટનામાં વડાપ્રધાનએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું તથા મૃતકોનાં પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને રૂપિયા 50,000/-નું વળતરનું એલાન કર્યું છે.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું કે, વૈશાલી બિહારમાં થયેલ અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું ઘાયલોનાં ઝડપથી સ્વસ્થ થવાની કામના કરૂ છું. PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ) માંથી દરેક મૃતકનાં પરિવારજનોને રૂપિયા 2 લાખનું વળતર આપવામાં આવશે તથા ઘાયલોને રૂપિયા 50,000/- આપવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ ઘાયલોને યોગ્ય સારવાર આપે.
તેમણે દરેક મૃતકનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઘટના રાજ્યની રાજધાનીથી લગભગ 30 કિલોમીટર દૂર ઉત્તર બિહાર જિલ્લાનાં દેશરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે એક ધાર્મિક શોભાયાત્રા એક સ્થાનિક દેવતાની પૂજા કરવા માટે રસ્તાની બાજુના 'પીપળ'નાં વૃક્ષની સામે એકત્ર થઈ હતી. જેને સ્થાનિક લોકો ભુઈયા બાબા પણ કહે છે. દરમિયાન એક બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા.
ઘટના બાદ સ્થાનિક લોકોએ ટ્રક ડ્રાઇવર પર દારૂ પીને ડ્રાઇવિંગ કરવાનો આરોપ લગાવ્યો છે અને મૃતકનાં પરિવારજનોને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે, હાલ તો ટ્રક ચાલકને પોલીસે કસ્ટડીમાં લીધો છે અને તેમની સારવાર અને તબીબી તપાસ પછી જ દારૂ પીવાનાં આરોપ વિશે જણાવવાનું કહેવામાં આવ્યું છે. વૈશાલી ડીએમ નઈમે મૃતકનાં પરિજનોને ખાતરી આપી હતી કે, તેમને વળતર મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે તેમને આગામી 3 દિવસમાં વળતર આપી દેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500