સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છુક શિક્ષિત બેરોજગારીની જાણે ખુદ સરકાર જ મજાક કરી રહી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાનારી ચારેક પરીક્ષાઓ GPSCએ છેલ્લી ઘડીએ રદ કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, છેલ્લા 6 મહિનામાં જ GPSCએ 20 પરીક્ષાઓ રદ કરી છે. છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી દેવાતાં સરકારી નોકરી મેળવવાના સપના સાથે લાખો વિદ્યાર્થીઓ મહેનત પર પાણી ફરી વળે છે અને વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી પડે છે. સરકારી નોકરી એ ગુજરાતી યુવાઓનુ સપનું રહ્યું છે પરિણામે આજે હજારો લાખો શિક્ષિત બેરોજગારો હોંશેહોંશે સ્પર્ધાત્મિક પરીઆમાં ભાગ લઈ રહ્યા છે પણ GPSC વહીવટી કારણ ધરીને વારંવાર પરીક્ષાઓ રદ કરી દે છે જેથી ગુજરાતના મહેનતકશ યુવાઓને સમય-શક્તિની સાથે સાથે આર્થિક પરેશાની ભોગવવ પડે છે.
ટ્યુશન-કોચિંગ ક્લાસ-હોસ્ટેલ સહિત અન્ય ફી પણ માથે પડે તેવી દશા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023 દરમિયાન કેલેન્ડર મુજબ પરીક્ષાઓ યોજાઇ રહી નથી. ખુદ સરકાર જ જાણે ગુજરાતના યુવાઓના ભવિષ્ય સાથે રમત રમી રહી હોય તેવુ ચિત્ર ખડુ થયુ છે. GPSCની પરીક્ષાઓની જાહેરાત થયા પછી બે બે વર્ષ સુધી પરીક્ષા યોજાતી નથી તે પાછળનુ કારણ જ દર્શાવવામાં આવતુ નથી. છેલ્લા 6 મહિનામાં GPSCએ 20 પરીક્ષાઓ રદ કરી છે. આમ, પરીક્ષા મોકુફીનો જાણે ખેલ ચાલી રહ્યો છે. આ કારણોસર સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા તનતોડ મહેનત કરનારાઓના સપના હજુ અધુરા જ રહ્યા છે.
મહત્વની વાત એ છે કે, ગુજરાત સરકારના વિવિધ સરકારી વિભાગોમાં હજારો જગ્યાઓ ખાલી પડી છે ત્યારે આઉટસોર્સિંગના નામે મળતિયા કોન્ટ્રાકટરોને કરોડો ચૂકવવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં, ઓછા પગારે કર્મચારીઓનુ સરેઆમ શોષણ કરવામાં આવી રહ્યું છે. નિવૃત અધિકારીઓ પણ સરકારી વિભાગોમાં અડિંગા જમાવ્યા છે. આજે રોજબરોજની જરૂરિયાતના કામની સેવાઓ આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટથી કરી સરકારી વિભાગો ચલાવવામાં આવી રહ્યા છે. પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે તે જોતાં સરકારી ભરતી કરવાની સરકારની દાનત જ નથી તે ફલિત થઈ રહ્યું છે. જો આ જ સ્થિતી રહી તો આગામી 10 વર્ષમાં બધાય સરકારી વિભાગો ખાલી થઈ જશે અને બધા વિભાગોમાં કોન્ટ્રાક્ટ આધારે કર્મચારી કામ કરતા હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500