પ્રદૂષણ ફેલાવનારાઓ સામે જીપીસીબીએ કડક કાર્યવાહી કરીને ત્રણ યુનિટને સીલ મારી દીધા છે. જ્યારે વધુ ત્રણ યુનિટને ક્લોઝર આપવામાં આવ્યું છે, જેથી હવા અને જમીનનું પ્રદૂષણ ફેલાવનારાઓમાં સુરત જીપીસીબીની કાર્યવાહીથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સુરત રિજનલ જીપીસીબી કચેરીને પ્રદૂષણ ફેલાવનારાઓ અંગેની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે રિજનલ અધિકારી જીજ્ઞા ઓઝા અને તેમની ટીમ દ્વારા અલગ અલગ છ યુનિટમાં તપાસ કરવામાં આવી હતી. તે પૈકી વકતાણા ખાતે આવેલા શ્રી સાઇનાથ ટ્રેડલિંકમાં ગેરકાયદે રીતે કોલસાનો જથ્થો સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. અગાઉ પણ આ યુનિટને ક્લોઝર આપવામાં આવ્યું હતું. તેને જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે નિયમ પાલન કરવાની બાંયધરી લેવામાં આવી હતી. તેમ છતાં તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં નહીં આવતા ફરી તપાસ કરવામાં આવી હતી.
આ તપાસમાં પણ ગેરકાયદે કોલસાનું વેચાણ કરવામાં આવતું હોવાના લીધે તેને સીલ મારી દેવામાં આવ્યું છે. ઓલપાડ તાલુકાના કારેલી ખાતે આવેલા ગઢિયા ફેબ અને આરકે ગ્રૂપને પણ ક્લોઝર આપવામાં આવ્યું હતું તેમ છતાં પ્લાન્ટ ચાલુ કરીને ટ્રીટ કર્યા વિના જ પાણી બારોબાર છોડી દેતા હતા. આ બંને યુનિટને પણ સીલ મારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સાયણ સુગર રોડ પર આવેલા પ્રિદાન ટેક્સફેબ વોટરજેટનું યુનિટ હોવાના કારણે તેને કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા બાદ છોડવા માટે ઇટીપી પ્લાન્ટ બનાવ્યો હતો,
પરંતુ તે પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરીને છોડે તો વધુ નાણાં ખર્ચવા પડે તેમ હોય છે. આ નાણાં બચાવવા માટે બારોબાર પાણી બાજુની જમીનમાં છોડી દેતો હતો. તેને પણ જીપીસીબીએ ક્લોઝર આપ્યું છે. ઉધના રોડ પર આવેલા વૃંદાવન પ્રોસેસર્સ દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વિના જ કાપડની મિલ શરૂ કરી દીધી હતી. જીપીસીબીની તપાસમાં બહાર આવતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી તેને પણ ક્લોઝર આપીને બંધ કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત પરબ ખાતે આવેલા હેત્વી ફેબ્રિક્સના સંચાલકો દ્વારા ઇટીપી પ્લાન્ટ નાંખ્યા વિના ઉત્પાદન કરી રહ્યા હોવાનું બહાર આવતા તેને પણ ક્લોઝર આપવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500