પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં મોબાઈલ લઈ જવા મુદ્દે પ્રતિબંધ લગાવી દેવાયો છે. મંદિર તંત્રએ આ નિર્ણય તાજેતરમાં જ બે સુરક્ષા કર્મચારીઓ દ્વારા ત્યાં ફિલ્મી ગીત પર બનાવાયેલા વીડિયોના સામે આવ્યા બાદ લીધો છે. આગામી 20 ડિસેમ્બરથી ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ત્યાં તા.24 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી નવા વર્ષની વ્યવસ્થાઓના કારણે ગર્ભગૃહમાં પણ પ્રવેશ પ્રતિબંધ રહેશે. આ સાથે જ મંદિરમાં પ્રસાદીનાં લાડવાનો પણ ભાવ વધારી દેવાયો છે. લાડવાની આ પ્રસાદી પહેલા 300 રૂપિયા કિલો મળતી હતી.
હવે આને વધારીને 360 રૂપિયા પ્રતિકિલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલનું મંદિર લાખો-કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ બાદ તાજેતરમાં જ સુરક્ષા કર્મચારીઓ દ્વારા રિલ્સ બનાવવાની ઘટના સામે આવી તો મંદિર વ્યવસ્થાપન સમિતિએ આ આકરો નિર્ણય લીધો છે. મંદિર સમિતિ અધ્યક્ષે જણાવ્યુ કે, શ્રી મહાકાલ મહાલોકના બન્યા બાદ તા.5 ડિસેમ્બરે શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિની પહેલી અને મહત્વની બેઠક આયોજિત કરવામાં આવી.
તેમણે જણાવ્યુ કે સતત મળી રહેલી ફરિયાદો બાદ તા.20 ડિસેમ્બર 2022થી શ્રી મહાકાલ મંદિરમાં મોબાઈલ અને બેગ લઈ જવા પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. આ માટે લોકરની સુવિધા મંદિરની બહાર આગામી 15 દિવસની અંદર કરી દેવાશે. આ નિયમ મંદિરના પૂજારીઓ અને સુરક્ષાકર્મચારીઓ પર પણ લાગુ થશે. નિયમનું ઉલ્લંઘન કરવા અને પકડાઈ જવા મુદ્દે દંડની જોગવાઈ રહેશે. કેટલો દંડ લેવામાં આવશે તેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500