ધરમપુર તાલુકાના તિસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં 31 લાખ રુદ્રાક્ષના સથવારે સવા 31 ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન હાથ ધરાયું છે. જેનું ભૂમિપૂજન-ઘ્વજારોહણ વિધિ આજે રવિવારે લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રૂદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ.બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં કરાતા આખા પંથકમાં આધ્યાત્મિક આંદોલન ફરી વળ્યાં છે. આ સાથે 15 દિકરીઓના સમૂહલગ્ન અને રક્તદાન જેવા કાર્યક્રમોના સથવારે "મહાશિવરાત્રી મહોત્સવ" ઉજવાશે.
છેલ્લા 23 વર્ષથી શિવ-કથાકાર પૂ.બટુકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રૂદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાઇ છે. આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવ ધરમપુર તાલુકાના તિસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં 31 લાખ રૂદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા 31 ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન-અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, 11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, 15 ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન-મહાપ્રસાદ-ભંડારાનું ભવ્ય અને દિવ્ય આયોજન તિસ્કરી (તલાટ) ગામે કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે જેના ભાગરૂપે આજે રવિવારે આટલા વિશાળ મહોત્સવની ભૂમિપૂજન-ઘ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ અવસરે કથાકાર બટુકભાઈ વ્યાસે જણાવ્યું કે, પ્રત્યેક રૂદ્રાક્ષ સ્વયં શિવ છે. 31 લાખ રૂદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે 31 લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે, આ ભગીરથ કાર્યમાં સર્વે શ્રદ્ધાળુઓને ભાગ લેવા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં તન, મન અને ધનથી સંમેલિત થઈ શ્રીપૂણ્યકોષમાં વૃદ્ધિ કરવા વિનંતિ છે. આ મહોત્સવની સફળતા અર્થે શ્રી સોમેશ્વર મહાદેવ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ તિસ્કરી (તલાટ) તથા સમસ્ત ગ્રામજનો કવાયત કરી રહ્યા છે.
પ્રકલ્પો
વિશાળ પોથી યાત્રાઃ 12 ફેબ્રુ. રવિવાર બપોરે 12-30 કલાકે
રૂદ્રાક્ષ શિવલિંગ અનાવરણ બપોરે 3.૦૦ કલાકે
શિવકથા દિપ પ્રાગટ્ય બપોરે 3.૦૦ કલાકે
11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ રોજ સવારે 8.૦૦ કલાકે
શિવકથા રોજ બપોરે 2.30 થી 5.30 કલાક દરમિયાન પૂજ્ય બટુકભાઈ વ્યાસનાં સાનિધ્યમાં.
વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ મહાઆરતી રોજ સાંજે 6.૦૦ કલાકે
મહાપ્રસાદ / ભોજન / ભંડારોઃ રોજ રાત્રે 7.૦૦ કલાકે
સમુહ લગ્ન તા.16 ફેબ્રુ. ગુરુવારે શિવ વિવાહનાં દિને સાંજે 5.30 કલાકે
મહાશિવરાત્રી રાત્રિ પૂજાઃ તા 18 ફેબ્રુ. રાત્રે 9.૦૦ કલાકે
વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન-અભિષેક સમયઃ સવારે 8.૦૦ થી રાત્રે 8.૦૦ કલાક દરમિયાન
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500